Western Times News

Gujarati News

અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલની અછતની દહેશતઃ પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી

અમદાવાદ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધોની અસર હવે સીધી રીતે ગુજરાતના સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે. છેલ્લા 6 કલાકમાં અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખુટી જશે તેવી બીકે લોકો પેટ્રોલ પર લાઈનો લગાવી રહ્યા છે.

સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે.

શા માટે સર્જાઈ અછત?

  • યુદ્ધની અસર: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે.

  • હોર્મુઝ સંકટ: ભારતનો મોટાભાગનો તેલનો જથ્થો જે માર્ગે આવે છે તે હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધો ઉભા થતા જહાજોના આવાગમનમાં વિલંબ થઈ રહ્યો છે.

  • પેનિક બાયિંગ: અછતની અફવા ફેલાતા લોકોમાં ‘પેનિક બાયિંગ’ (ગભરાટમાં વધુ ખરીદી) શરૂ થઈ છે, જેના કારણે ઉપલબ્ધ સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે.

જોકે, પેટ્રોલિયમ મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે દેશમાં ક્રૂડ ઓઈલનો પૂરતો જથ્થો છે અને ગભરાવાની જરૂર નથી. સરકારે જણાવ્યું છે કે પુરવઠો જાળવી રાખવા માટે વૈકલ્પિક માર્ગો અને અન્ય દેશો પાસેથી તેલ મંગાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પણ જિલ્લા કલેક્ટરોને સંગ્રહખોરી રોકવા અને પંપો પર વ્યવસ્થા જાળવી રાખવા સૂચના આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈને વાત મૂકવા ઊભો થયો છું. પશ્ચિમ એશિયામાં સંકટ અત્યંત ચિંતાજનક છે, જેની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થઈ રહી છે.

આ સંકટને હવે ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે. સમગ્ર દુનિયા આ સંકટમાંથી ટૂંક સમયમાં જ સમાધાન શોધવા માટે તમામ પક્ષોને આગ્રહ કરી રહી છે. આ યુદ્ધે ભારત સામે અણધાર્યા પડકારો ઊભા કરી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.