ભારત અને ચીનના વિદ્યાર્થીઓને ટ્રમ્પના આકરા નિર્ણયથી મોટો ઝટકો
ભારત અને ચીનના નાગરિકોને જાહેર કરવામાં આવતા વિઝાની સંખ્યામાં લગભગ ૮૪,૦૦૦નો ઘટાડો થયો
વોશિંગ્ટન, અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિઝા નીતિઓ કડક બનાવવામાં આવતા કાયદેસરના ઈમિગ્રેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ આઠ મહિનાના આંકડાઓ મુજબ, ભારત અને ચીન જેવા દેશો આ ફેરફારોથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન અગાઉના વર્ષની સરખામણીએ અંદાજે ૨.૫૦ લાખ ઓછા વિઝા જાહેર કરવામાં આવ્યા છે, જે કુલ સ્વીકૃતિમાં ૧૧%નો ઘટાડો દર્શાવે છે. આ ઘટાડાની અસર માત્ર કામદારો કે પ્રવાસીઓ પર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને અમેરિકન નાગરિકોના પરિવારજનો પર પણ પડી છે.
અહેવાલ મુજબ, ભારત અને ચીનના નાગરિકોને જાહેર કરવામાં આવતા વિઝાની સંખ્યામાં લગભગ ૮૪,૦૦૦નો ઘટાડો થયો છે. આમાં સૌથી વધુ નુકસાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને થયું છે, જેમના વિઝામાં ૩૦%થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, ગ્રીન કાર્ડ (કાયમી રહેઠાણ)ની પ્રક્રિયા પણ ધીમી પડી છે, ખાસ કરીને અફઘાનિસ્તાન અને ઈરાક જેવા દેશોના કામદારો માટે મુશ્કેલીઓ વધી છે.
વિશ્લેષકો આ ઘટાડા પાછળ નીતિગત અને વહીવટી ફેરફારોને જવાબદાર ગણાવી રહ્યા છે. કડક તપાસઃ સોશિયલ મીડિયાની તપાસ સહિત વિસ્તૃત સુરક્ષા ચકાસણી અને ૧૯ દેશો પરના મુસાફરી પ્રતિબંધો. ઇન્ટરવ્યૂ પર રોકઃ વિદ્યાર્થી વિઝાના ઇન્ટરવ્યૂ પર કામચલાઉ પ્રતિબંધ. સ્ટાફની અછતઃ વિદેશ વિભાગમાં કર્મચારીઓની છટણીને કારણે વિઝા પ્રોસેસિંગની ક્ષમતા ઘટી છે, જેનાથી વેઇટિંગ પિરિયડ લાંબો થયો છે.
ટ્રમ્પ પ્રશાસને આ નીતિનો બચાવ કરતા જણાવ્યું છે કે વિઝા એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્રમુખ ટ્રમ્પ માટે અમેરિકન નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે અને તેઓ કોઈપણ તપાસ વગર વિદેશી નાગરિકોના પ્રવેશને મંજૂરી આપવા તૈયાર નથી.
