ટ્રમ્પની વિઝા નીતિથી ભારત-ચીનના નાગરિકોને સૌથી વધુ અસર
ફેમિલી પ્રેફરન્સ વિઝાની સંખ્યા પણ ૨૭ ટકા ઘટી ૪૪,૦૦૦ થઈ
અમેરિકાએ જાન્યુઆરીથી ઓગસ્ટ, ૨૦૨૫ના પ્રથમ ૮ મહિનામાં તમામ દેશો માટે ૨.૫ લાખ વિઝા ઓછા જારી કર્યાં
વોશિંગ્ટન,અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે બીજી વાર સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક ઈમિગ્રેશન નીતિ અપનાવી છે. ટ્રમ્પની આ કડક નીતિ વિશ્વના અન્ય દેશો માટે મુશ્કેલી સર્જી રહી છે. આ નીતિ હેઠળ તેમણે હજારોની સંખ્યામાં ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવા ઉપરાંત વિઝાના નિયમો પણ આકરાં બનાવ્યાં છે. ટ્રમ્પની આ આકરી વિઝા નીતિની સૌથી વધુ માઠી અસર ભારત અને ચીનના નાગરિકોને થઈ છે.
ટ્રમ્પે અપનાવેલા કડક અભિગમને પગલે અમેરિકન સત્તાવાળાઓએ ૨૦૨૫ના પ્રથમ આઠ મહિના દરમિયાન વિશ્વના દેશો માટે ૨૦૨૪ના સમાન સમયગાળાની તુલનાએ ૨.૫ લાખ વિઝા ઓછાં જારી કર્યાં છે. એક અહેવાલ અનુસાર, ૨૦૨૪ની તુલનાએ ભારતીયો અને ચીનના નાગરિકોને જારી કરતાં વિઝાની સંખ્યામાં ૮૪,૦૦૦નો ઘટાડો થયો હતો. વિઝાની સંખ્યામાં થયેલો ઘટાડો મુખ્યત્વે આ બંને દેશોમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો ઘટાડો સૂચવે છે.
અમેરિકન વિદેશ વિભાગ દ્વારા માર્ચના પ્રારંભમાં જારી કરાયેલી માહિતી અનુસાર, એક વર્ષ અગાઉના સમાન ગાળાની તુલનાએ જાન્યુઆરીથી ઓગસ્ટ,૨૦૨૫ દરમિયાન વિદેશ વિભાગ દ્વારા જારી કરાયેલાં પરમેનન્ટ રેસિડેન્ટ તથા ટેમ્પરરી વિઝામાં ૧૧ ટકાનો ઘટાડો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ શ્રેણી હેઠળ મુખ્યત્વે વિદ્યાર્થીઓ, શ્રમિકો તથા અમેરિકન નાગરિકોના તથા કાયદેસરના વસાહતીઓના પરિવારના સભ્યોને વિઝા જારી કરવામાં આવે છે. આ સમયગળા દરમિયાન ટુરિસ્ટ વિઝાની મંજૂરીમાં પણ ઘટાડો નોંધાયો હતો.
જોકે ૧૧ ટકાના આ ઘટાડામાં ટુરિસ્ટ વિઝાનો સમાવેશ નથી થતો.ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૨૦૨૫ના પ્રથમ આઠ મહિના દરમિયાન બિઝનેસ અને ટુરિઝમ વિઝાના પ્રમાણમાં ૩.૪ ટકાનો એટલે કે આશરે ૨ લાખ વિઝાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ, ૨૦૨૪ દરમિયાન અમેરિકાએ આશરે ૩.૪૪ લાખ સ્ટુડન્ટ વિઝા જારી કર્યાં હતાં, જ્યારે ૨૦૨૫માં આ સંખ્યા ઘટીને ૨.૩૮ લાખ નોંધાઈ હતી. અમેરિકન નાગરિકોના પુખ્ત વયના બાળકો અને ભાઈ-બહેનોને અપાતાં ફેમિલી પ્રેફરન્સ વિઝાની સંખ્યા પણ ૨૭ ટકા ઘટી ૪૪,૦૦૦ થઈ ગઈ હતી.
જ્યારે જહાજો અને એરલાઈનમાં કામ કરતાં શ્રમિકોને જારી કરાતાં વિઝાની સંખ્યા ઘટીને ૩૦,૮૭૬ થઈ હતી. કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર માટેના વિઝાની સંખ્યા ઘટીને ૨૯,૫૯૪ નોંધાઈ હતી. ફિયાન્સ/સ્પાઉસ વિઝાની સંખ્યા પણ ૨૦૨૪ના ૩૭,૨૨૯ની તુલનાએ ઘટીને જાન્યુઆરીથી ઓગસ્ટ, ૨૦૨૫ના પ્રથમ આઠ મહિનામાં ૧૮,૮૯૪ નોંધાઈ હતી. SS1
