Western Times News

Gujarati News

UPમાં કોલ્ડ સ્ટોરેજની દીવાલ ધસી પડતાં ૯ શ્રમિકોનાં મોત

અકસ્માતનું મુખ્ય કારણ એમોનિયા ગેસની પાઇપ ફાટવી હોવાનું કહેવાય છે

પાઇપ ફાટ્યા બાદ ગેસ ગળતર શરૂ થતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી અને આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો

પ્રયાગરાજ,ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનાં ફાફામઉ વિસ્તારમાં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જા હતી, જેમાં એક કોલ્ડ સ્ટોરેજની દીવાલ અચાનક ધસી પડતાં ૯ શ્રમિકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં અનેક શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ કોલ્ડ સ્ટોરેજ ચાંદપુરના પૂર્વ ધારાસભ્યનું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોનું કહેવું છે કે, દીવાલ પડતાં પહેલાં જોરદાર ધડાકા જેવો અવાજ સંભળાયો હતો.અકસ્માતનું મુખ્ય કારણ એમોનિયા ગેસની પાઇપ ફાટવી હોવાનું કહેવાય છે.

પાઇપ ફાટ્યા બાદ ગેસ ગળતર શરૂ થતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી અને આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. ઘટના સમયે અંદાજે ૨૦ જેટલા શ્રમિકો કોલ્ડ સ્ટોરેજની અંદર કામ કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ જ્યારે બચાવ કામગીરી માટે ટીમ પહોંચી ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનોએ એમ્બ્યુલન્સ પર પથ્થરમારો શરૂ કર્યાે હતો, જેના કારણે પોલીસ સાથે તીખી નોકઝોંક થઈ હતી. અત્યાર સુધીમાં નવ મૃતદેહો મળી આવ્યા છે.પ્રયાગરાજના પોલીસ કમિશનર જોગીન્દર કુમાર અને ડીએમ મનીષ વર્માએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશનની સમીક્ષા કરી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્વરૂપ રાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં મોટા ભાગના લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, “લંચનો સમય હોવાથી બધા જમીને આરામ કરી રહ્યા હતા, ત્યારે જ બિલ્ડિંગ ધસી પડી અને અંદર રહેલા લોકો બહાર નીકળી શક્યા નહીં.” SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.