Western Times News

Gujarati News

લોકસભાની બેઠકો વધીને ૮૧૬ થશે, મહિલાઓ માટે ૨૭૩ બેઠકો અનામત

File

મહિલા અનામત કાયદામાં સુધારાની તૈયારી

૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું સીમાંકન કરવામાં આવશે, રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે

નવી દિલ્હી,સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં ‘મહિલા અનામત’ માટેના કાયદામાં સરકાર સુધારો કરવા જઈ રહી છે. કાયદામાં સુધારો કરીને મહિલા સાંસદોની સંખ્યા કુલ સંખ્યાના ત્રીજા ભાગની કરવાનો પ્રસ્તાવ છે. આ સુધારા વિધેયકને ચાલુ સત્રમાં જ લાવવાની તૈયારી છે. સૂત્રોનું કહેવું છે કે, ૨૯ માર્ચના રોજ જ આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. આનાથી લોકસભામાં સભ્યોની સંખ્યા વધીને ૮૧૬ થઈ શકે છે, જ્યારે મહિલા સાંસદો માટે અનામત બેઠકોની સંખ્યા ૨૭૩ થઈ જશે.સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, આ કાયદામાં સુધારા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સંસદમાં અનેક પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી હતી.

તેમણે એનસીપી(એસપી), બીજેડી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને વાયએસઆર-કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. જોકે, હજુ સુધી કોંગ્રેસ અને ટીએમસી સાથે બેઠક થઈ નથી. સુધારા કાયદામાં સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ પણ અવરોધ વિના આ બિલ પસાર થઈ શકે. કેન્દ્ર સરકારે ૨૦૨૩માં મહિલા અનામત માટે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર કર્યાે હતો, જેમાં લોકસભા અને રાજ્યસભાની સાથે તમામ રાજ્યોની વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. લગભગ ત્રણ વર્ષ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. આનાથી લોકસભામાં સાંસદોની સંખ્યા ૮૧૬ અને મહિલા સાંસદોની સંખ્યા ૨૭૩ થશે.

આ બેઠકો નક્કી કરવા માટે ૨૦૧૧ની વસ્તી ગણતરીને આધાર બનાવવામાં આવી શકે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું સીમાંકન કરવામાં આવશે. તમામ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે. આ વધારો પ્રમાણસર હોઈ શકે છે. જેમ કે- ઉત્તર પ્રદેશમાં ૮૦ને બદલે ૧૨૦ લોકસભા બેઠકો, બિહારમાં ૪૦ને બદલે ૬૦ બેઠકો, તમિલનાડુમાં ૩૯ને બદલે ૫૮ કે ૫૯ બેઠકો. બેઠકોમાં વધારો કરીને ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.આમ કરવાથી ટીડીપી અને ડીએમકે જેવા દક્ષિણ ભારતના પ્રાદેશિક પક્ષોની એ ફરિયાદ દૂર કરી શકાશે કે વસ્તીમાં વધુ વધારાને કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોને ફાયદો થશે.

દક્ષિણ ભારતના રાજ્યોનો તર્ક રહ્યો છે કે તેમણે વસ્તી નિયંત્રણમાં વધુ સારા પરિણામો દર્શાવ્યા છે, તેનાથી સીટોના વધારામાં અન્યાય થવો જોઈએ નહીં. આ વર્ષે જૂનમાં સીમાંકન આયોગની રચના થઈ શકે છે. ૨૦૨૩માં સરકારે જે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર કર્યાે હતો, તે લોકસભા-રાજ્યસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરે છે. આ કાયદામાં એસસી-એસટી કેટેગરીની મહિલાઓ માટે અલગથી અનામતની જોગવાઈ નથી, પરંતુ તેમના માટે અનામતની અંદર જ અનામતની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે, એસસી-એસટી કેટેગરીની મહિલાઓને ૩૩ ટકા અનામતની અંદર જ અનામત આપવામાં આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.