Western Times News

Gujarati News

AMCએ વર્ષ ૨૦૨૪-૨૫માં મચ્છર મારવા 15 કરોડ વાપરી નાંખ્યા

છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં મચ્છર મારવા 34.86 કરોડનો ધૂમાડો કરાયો

ફોગીંગ, IRS અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી માટે વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલા ૪.૧૫ કરોડ ખર્ચની સામે વર્ષ ૨૦૨૪-૨૫ માં તે વધીને ૧૫ કરોડ પર પહોંચી ગયો છે.

અમદાવાદ, AMC દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે કરવામાં આવતા ખર્ચના આંકડાઓ સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે. મચ્છર મારવા વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ દરમિયાન એટલે કે, છેલ્લા પાંચ વર્ષમાં ફોગીંગ, આઈ.આર.એસ.અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી પાછળ ૩૪.૮૬ કરોડનો ધુમાડો છતાં સ્થિતી ઠેરની ઠેર જોવા મળી રહી છે.

વર્ષ ૨૦૨૪-૨૫માં મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ ૧૫ કરોડ ખર્ચાયા છે. બજેટ બેઠક ૨૦૨૬-૨૦૨૭ અંતર્ગત મ્યુનિ. વિપક્ષના કોર્પોરેટરને પ્રશ્નના જવાબમાં મળેલી વિગતોથી બહાર આવેલી વિગતોથી AMCની પોલ ખુલી છે. ડીડીટી પર દાયકાઓથી પ્રતિબંધ હોવા છતાં કોર્પોરેશનના ખર્ચમાં અધધ વધારો જોવા મળ્યો છે.

તંત્રએ સ્વીકાર્યું છે કે, ફોગીંગ, આઈ.આર.એસ.અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી માટે વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલા ૪.૧૫ કરોડ ખર્ચની સામે વર્ષ ૨૦૨૪-૨૫ માં તે વધીને ૧૫ કરોડ પર પહોંચી ગયો છે. તંત્રનો દાવો છે કે, તેઓ ગુણવત્તાયુક્ત દવાઓ વાપરે છે,પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવત હોવાથી આ કરોડોના ખર્ચની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

હેલ્થ-મેલેરિયા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ,વર્ષ ૨૦૧૦ પહેલા પણ એએમસી દ્વારા ડીડીટી કે ગેમેક્ષીન પાવડરનો છંટકાવ કરવામાં આવતો ન હતો, કારણ કે ભારત સરકાર દ્વારા ૧૯૭૨ થી ડીડીટીના ખેતીલક્ષી ઉપયોગ પર પ્રતિબંધ અને જાહેર આરોગ્ય માટે મર્યાદાઓ લાદવામાં આવી છે. હાલમાં કોર્પોરેશન મચ્છર નિયંત્રણ માટે ‘આલ્ફ્સાયફ્રમેથ્રિન ૫%  નામની દવાનો ઉપયોગ કરે છે.

છેલ્લા પાંચ વર્ષના ખર્ચના આંકડાઓ પર નજર કરીએ તો,વર્ષ ૨૦૨૪-૨૫માં તંત્રએ આક્રમક કામગીરીના નામે બજેટનો મોટો હિસ્સો વાપર્યો છે. જેમાં વર્ષ ૨૦૨૫માં માત્ર ફેગીંગ પાછળ જ ૭.૧૧ કરોડનો ખર્ચ થયો છે. જ્યારે પાંચ વર્ષમાં ૧૫ કરોડનો ખર્ચ થયો છે. વિપક્ષનો આક્ષેપ છેકે, જો આટલો જંગી ખર્ચ થતો હોય તો મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો કેમ નથી દેખાતો ?

શું દવાઓની ગુણવત્તાની ચકાસણી માત્ર કાગળ પર જ થાય છે ? જોકે,વિભાગે સ્પષ્ટતા કરી છે કે દવાની ખરીદી બાદ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી હેલ્થ મેલેરિયા વિભાગની રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.