પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને શું અપીલ કરી?
ઈરાન સાથેનું યુધ્ધનું સંકટ ભારત દેશની મોટી પરીક્ષા લેવાનો છે- યુદ્ધ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશેઃ PM મોદી
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા તથા ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છીએ. યુદ્ધના માહોલમાં અમે ભારતીય જહાજોની સુરક્ષા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે.
ભારત તમામ પક્ષોને શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. દેશ વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે.
મોદીએ જણાવ્યું હતું કે, જો આ યુદ્ધ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે કહ્યું કે, ભારત દરેક ક્ષેત્રમાં એવો પ્રયાસ કરી રહ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં અન્ય દેશો પર વધુ પડતી નિર્ભરતા ન રહે. વડાપ્રધાને શિપ બિલ્ડિંગથી લઈને રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) સુધી, આત્મનિર્ભરતાના પ્રયાસો ગણાવ્યા અને કહ્યું કે આ સંકટે દુનિયાને હચમચાવી દીધી છે.
આમાંથી બહાર આવવામાં પણ વિશ્વને ઘણો સમય લાગશે. સરકાર પળેપળે બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે.
આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. જોકે કેટલાક ભારતીયોનું દુઃખદ નિધન થયું છે, તેમની મદદ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે.
યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત ૬૦ ટકા LPG આયાત કરે છે, જેની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના કારણે LPG પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ભારત સામે પણ યુદ્ધના કારણે પડકારો ઊભા થયા છે. ભારત સામે આર્થિક તથા રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. લગભગ ૧ કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. કોમર્શિયલ જહાજોમાં ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા મોટી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. પ્રભાવિત દેશોમાં ભારતના તમામ દૂતાવાસ ભારતીયોની મદદ કરી રહ્યા છે.
નિયમિત રૂપે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ૨૪ કલાક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધી પોણા ચાર લાખ ભારતીયો સુરક્ષિત ભારત પરત ફર્યા છે. ખાડી દેશોની ભારતીય શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે.
સરકાર સંવેદનશીલ અને સતર્ક છે. આ સંકટ દેશની મોટી પરીક્ષા લેવાનો છે. રાજ્ય સરકારોને અપીલ કરી છે કાળા બજારી અને જમાખોરી કરનારા સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે. જરૂરિયાતની ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે જવાબ દારી રાજ્યસરકારની રહેશે.
પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધને લઇને પળેપળે સ્થિતિ બદલાઇ રહી છે. દેશવાસીઓએ દરેક પડકાર માટે તૈયાર રહેવુ પડશે. તેના દુષ્પ્રભાવ લાંબા સમય સુધી રહેવાની આશંકા છે. પણ સરકાર સતર્ક છે, ગંભીર છે અને નિર્ણયો લઇ રહી છે. દેશની જનતાનું હિત સર્વોપરી છે.
