Western Times News

Gujarati News

હરીશ રાણાના જીવન પર ફિલ્મ બનવાની શક્યતા

મુંબઈ, હરીશ રાણાનું નામ સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. છેલ્લા ૧૩ વર્ષથી હરીશ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને ઈચ્છા મૃત્યુ આપી દેવામાં આવી છે.

હવે હરીશ રાણા આ દુનિયામાં નથી રહ્યો. પરંતુ તેના જીવન પર હવે ફિલ્મ બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. મુંબઈના એક જાણીતા લેખક અને નિર્માતાએ હરીશ રાણાના સંઘર્ષને પડદા પર જીવંત કરવા માટે તેના વકીલ સાથે વાત કરી છે.

આ સ્ટોરી વર્ષ ૨૦૧૦માં શરૂ થઈ હતી. હરીશ રાણા ચંદીગઢ યુનિવર્સિટીમાં એક સિવિલ એન્જિનિયરનું સપનું લઈને દાખલ થયો હતો. ઓગસ્ટ ૨૦૧૩નો રક્ષાબંધનનો તે દિવસ આજે પણ તેનો પરિવાર ભૂલી નથી શક્્યો. પોતાની બહેનો સાથે ફોન પર વાત કરતા સમયે હરીશ ચોથા માળેથી નીચે પટકાયો હતો. તે દિવસ હરીશના જીવનનો છેલ્લો દિવસ હતો જ્યારે તેણે પોતાના પગ પર ઉભા રહીને દુનિયા જોઈ હતી.

હરીશના પિતા અશોક રાણાએ તેના પુત્રને પળે પળ મરતા જોયો હતો. જ્યાં પરિસ્થિતિ અસહ્ય બની ત્યારે પરિવારે દિલ્હી હાઈકોર્ટ પાસેથી ઈચ્છામૃત્યુની પરવાનગી માગી. ૮ જુલાઈ ૨૦૨૫ના રોજ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી. જોકે પરિવારે હાર ન માની અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ ઈતિહાસ બન્યો જ્યારે દેશની સર્વોચ્ચ અદાલતે પરિવારને ઈચ્છામૃત્યુની પરવાનગી આપી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હરીશને એઈમ્સ દિલ્હીના પેલેએટિવ કેર વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો. મેડિકલ વોર્ડ પહેલા ૫ સભ્યોનો હતો જેને વધારીને ૧૦ સભ્યોનો કરવામાં આવ્યો. આજે તેના લાઈફ સપોર્ટ સિસ્ટમને હટાવી દેવામાં આવ્યો છે. છેલ્લા ૧૩ વર્ષોથી હરીશ પથારીવશ હતો અને આજે તેને મુક્તિ મળી. હરીશના પિતાએ તેના દીકરાના અંગોને દાન કરવાનો નિર્ણય લીધો છે.

સમગ્ર મામલે હરીશના વકીલ મીનષ જૈન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મુંબઈના એક ફિલ્મ નિર્માતા આ મુદ્દે ફિલ્મ બનાવવા ઈચ્છે છે. લેખકનું માનવું છે કે હરીશની આ સ્ટોરી માત્ર કોમા, જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલતા એક માણસની નથી પણ કાયદો, નૈતિકતા અને માણસની લાગણીઓનો સમૂહ છે. જોકે હાલ વકીલ દ્વારા આ મામલે લેખકને થોડી રાહ જોવાનું કહેવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.