Western Times News

Gujarati News

દિલ્લી અક્ષરધામમાં ‘એક પગ પર અડગ’ 108 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

  • એક પગ પર અડગ રહેલી વિશ્વની સૌથી વિશાળ નીલકંઠ વર્ણી પ્રતિમા – ૨૬ માર્ચે દિલ્લી અક્ષરધામમાં પ્રતિષ્ઠિત થશે
  • વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમલોથી વિશ્વની સર્વવિશાળ, આ દિવ્ય પ્રતિમાની વિધિવત્ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
  • યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને એશિયા પેસિફિકમાંથી ૩૦૦ સંતો-મહંતો ઉપસ્થિત
  • લંડન, ન્યૂયોર્ક, દુબઈ, સિડની, કેપ ટાઉન તથા હોંગકોંગ સહિત વિશ્વના વિવિધ શહેરોમાંથી હજારો હરિભક્તો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી 
  • અક્ષરધામ મંદિરથી ખાડી પ્રદેશમાં ચાલી રહેલા યુદ્ધના વિરામ માટે વૈશ્વિક શાંતિનો સંદેશ 

નવી દિલ્લી, ૨૫ માર્ચ, ૨૦૨૬ – દિલ્લીનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ભારતની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે. આવતીકાલે, ૨૬ માર્ચે, આ પવિત્ર ધામ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. વિશ્વવિખ્યાત BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા, વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની વિધિવત્ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.

પંચધાતુમાંથી નિર્મિત આ અદ્વિતીય નીલકંઠ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા છે, જે ભગવાનના અતિદુર્લભ તપસ્યાજીવનને પ્રતિબિંબિત કરતી ‘એક પગ પર અડગ’ અવસ્થામાં સ્થિત છે. આ દિવ્ય પ્રસંગને ભવ્યતા અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બનાવવા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.  

બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ૧૯ માર્ચે દિલ્લી પધાર્યા હતા. તેમના પાવન આગમન નિમિત્તે ૨૧ માર્ચે એક વિશિષ્ટ સ્વાગત સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૨૨ માર્ચે, રવિવારની પવિત્ર સવારમાં પંચકુલા અને કુરુક્ષેત્ર ખાતે નવીન નિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમો યોજાયા હતા.

આ સાથે, સ્વામીશ્રીના પવિત્ર સાનિધ્યમાં સંતો અને હરિભક્તોએ ફૂલોની હોળીના અનન્ય અને આનંદમય ઉત્સવનો દિવ્ય લાભ લીધો હતો. ૨૩ માર્ચે આવનારા સપ્ટેમ્બર માસમાં પેરિસ ખાતે પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું.

તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી ભગવાન કોણ?

ભગવાન શ્રી સ્વામિનારાયણે માત્ર ૧૧ વર્ષની અલ્પ વયે ગૃહત્યાગ કરીને લોકકલ્યાણના મહાન સંકલ્પ સાથે સમગ્ર ભારતભરમાં ૭ વર્ષ સુધી વિરાટ પદયાત્રા કરી હતી. ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુ લાંબી આ અતિ કઠિન અને આધ્યાત્મિક યાત્રા દરમિયાન તેમણે ઉત્તર ભારતમાં હિમાલય, બદરીનાથ-કેદારનાથ, કૈલાશ-માનસરોવર, નેપાળમાં મુક્તિનાથ, પૂર્વમાં કામાખ્યા દેવી મંદિર અને ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ ધામ, દક્ષિણમાં રામેશ્વરમ, નાસિક અને પંઢરપુર તેમજ પશ્ચિમમાં દ્વારકા સહિત અનેક પવિત્ર તીર્થોને પોતાના પાવન ચરણોથી પવિત્ર બનાવ્યા હતા.

આ દિવ્ય અને અદ્વિતીય તપસ્યામય યાત્રા દરમિયાન તેમણે ‘નીલકંઠવર્ણી’ નામ ધારણ કર્યું હતું, જે આજે પણ તેમના વૈરાગ્ય, ત્યાગ અને લોકકલ્યાણના અખંડ સંદેશનું પ્રતીક બની રહ્યું છે.

આ તપોમૂર્તિની વિશેષતાઓ શું છે?

  • ‘એક પગ પર અડગ’ સ્થિતિમાં વિરાટ રૂપે ઉભેલી આ પ્રતિમા વિશ્વભરમાં સંભાવિત રીતે સર્વવિશાળ (૧૦૮ ફૂટ) પ્રતિમા છે. તેને ૮ ફૂટ ઊંચા પૃષ્ઠતળ પર સ્થાપિત કરવામાં આવી છે.
  • આ પ્રતિમાનું નિર્માણ આશરે એક વર્ષના અવિરત પ્રયત્નોથી પૂર્ણ થયું છે. પંચધાતુમાંથી બનેલી આ કૃતિમાં મુખ્યત્વે કાંસ્ય ધાતુનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને દૃઢતા અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે.
  • આ અદ્વિતીય શિલ્પકૃતિના નિર્માણમાં અક્ષરધામના શિલ્પી સંતો, આશરે પચાસ જેટલા કુશળ કારીગરો તેમજ અનેક નિષ્ઠાવાન સ્વયંસેવકોનો અવિસ્મરણીય પુરુષાર્થ સંકળાયેલો છે.
  • પુલહાશ્રમ (મુક્તિનાથ) ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી સ્વરૂપે ચાર મહિના સુધી એક પગ પર અડગ રહી જે કઠોર તપસ્યા સાધી હતી, તેની જ જીવંત અને મૂર્ત અભિવ્યક્તિ આ પ્રતિમા દ્વારા રજૂ કરવામાં આવી છે.
  • આ પ્રતિમાના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ સમાજના પ્રત્યેક વર્ગમાં તપ, ત્યાગ, મૈત્રી, કરુણા, સુહૃદભાવ, માનવ સેવા, ભક્તિ અને ઉપાસના જેવા વૈશ્વિક અને શાશ્વત મૂલ્યોનો વ્યાપક પ્રસાર કરવાનો છે.

શ્રી નીલકંઠવર્ણી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

આ પાવન મહોત્સવનો શુભ પ્રારંભ ૨૫ માર્ચની પ્રભાતે ‘શ્રી નીલકંઠવર્ણી વિશ્વ શાંતિ મહાયજ્ઞ’ સાથે ભવ્ય રીતે થયો હતો. દિલ્લી અક્ષરધામના વિશાળ અને પવિત્ર પ્રાંગણમાં ષોડશોપચાર પૂજનવિધિ દ્વારા આ વૈદિક અનુષ્ઠાન શ્રદ્ધાભાવે સંપન્ન કરવામાં આવ્યું હતું.

તે બાદ મંદિર પરિસરમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં પુરી અને કર્ણાટકના હરિભક્તોએ વિશેષ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

આ ઐતિહાસિક અવસરે વિશ્વના વિવિધ દેશો — યુકે, ફ્રાન્સ, આફ્રિકા, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા ખંડથી સંસ્થાના ૩૦૦થી વધુ સંતો પધાર્યા હતા. ઉપરાંત લંડન, ન્યૂયોર્ક, દુબઈ, સિડની, કેપ ટાઉન અને હોંગકોંગ જેવા શહેરોમાંથી હજારો હરિભક્તોએ ઉપસ્થિત રહી આ મહોત્સવને વૈશ્વિક ભવ્યતા પ્રદાન કરી હતી.

આ પાવન પ્રસંગે બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે અક્ષરધામ પરિસરમાંથી સમગ્ર વિશ્વમાં એકતા સ્થાપિત થાય અને યુદ્ધોનો અંત આવે તેવી હાર્દિક પ્રાર્થના વ્યક્ત કરી. તેમણે સર્વમાં સુહૃદભાવ અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસે તેવી ભાવનાથી પ્રેરિત સંદેશ આપ્યો તથા આકાશમાં શ્વેત કબૂતરોને ઉડાવી વિશ્વ શાંતિનો સંદેશ પ્રસરાવ્યો.

૨૬ માર્ચના પવિત્ર દિવસે પ્રાતઃ ૬ વાગ્યાથી મુખ્ય પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે, ત્યારબાદ આ દિવ્ય પ્રતિમાનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવશે, જે એક ઐતિહાસિક અને સ્મરણીય ક્ષણ બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.