બાંગ્લાદેશનો ૫૬મો સ્વતંત્રતા દિવસ: શેખ હસીનાએ યુનુસ સરકાર પર કર્યા આકરા પ્રહાર
૨૫ માર્ચ ૧૯૭૧ની રાત્રે પાકિસ્તાની સેનાએ નિઃશસ્ત્ર બાંગ્લાદેશીઓ પર કરેલા ક્રૂર દમન બાદ ૨૬ માર્ચની વહેલી સવારે આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો હતો. નવ મહિના ચાલેલા આ યુદ્ધમાં અંદાજે ૩૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભારતના સહયોગ વિના બાંગ્લાદેશનું નિર્માણ આટલું ઝડપથી શક્ય નહોતું. જ્યારે પાકિસ્તાને ભારતના પશ્ચિમી એરબેઝ પર હુમલો કર્યો, ત્યારે ભારતે સત્તાવાર રીતે યુદ્ધમાં ઝંપલાવ્યું. માત્ર ૧૩ દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ઘૂંટણિયે લાવી દીધી હતી.
ઢાકા, ૨૬ માર્ચ : બાંગ્લાદેશ ગુરૂવારે તેનો ૫૬મો સ્વતંત્રતા અને રાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન અને વડાપ્રધાન તારિક રહેમાને ગુરુવારે રાષ્ટ્રીય સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના શહીદોને નમન કર્યા હતા.
શહીદોને સન્માન અને મૌન પાળી અંજલિ
પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને મુક્તિ યુદ્ધના શહીદોની સ્મૃતિમાં થોડો સમય મૌન પાળ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બંને નેતાઓએ સ્મારક પરિસરમાં મુલાકાતી પોથીમાં પણ હસ્તાક્ષર કર્યા હતા. ૧૯૭૧માં દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનમાં દર વર્ષે ૨૬ માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે.
ઇતિહાસનું સ્મરણ: નવ મહિનાનું લોહિયાળ યુદ્ધ
ઉલ્લેખનીય છે કે, ૨૫ માર્ચ ૧૯૭૧ની રાત્રે પાકિસ્તાની સેનાએ નિઃશસ્ત્ર બાંગ્લાદેશીઓ પર કરેલા ક્રૂર દમન (જેને ‘નરસંહાર દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે) બાદ ૨૬ માર્ચની વહેલી સવારે આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો હતો. નવ મહિના ચાલેલા આ યુદ્ધમાં અંદાજે ૩૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અંતે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ બાંગ્લાદેશ સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું.
વડાપ્રધાન તારિક રહેમાનનો સંદેશ
આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા પીએમ તારિક રહેમાને વિકસિત, સમૃદ્ધ અને ગૌરવશાળી બાંગ્લાદેશ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું, “૨૬ માર્ચ આપણા રાષ્ટ્રીય જીવનનો ગૌરવશાળી દિવસ છે. હું તે વીર સપૂતો અને માતા-બહેનોને આદરપૂર્વક યાદ કરું છું જેમના બલિદાનથી આપણે સાર્વભૌમ બાંગ્લાદેશ હાંસલ કર્યું છે.”
શેખ હસીનાનો વચગાળાની સરકાર પર વળતો પ્રહાર
બીજી તરફ, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની ૧૮ મહિનાની વચગાળાની સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. હસીનાએ આરોપ લગાવ્યો કે, “યુનુસ સરકારના કાર્યકાળ દરમિયાન અનેક યુદ્ધ અપરાધીઓની ટ્રાયલ પ્રક્રિયા રોકી દેવામાં આવી અને દોષિતોને જેલમુક્ત કરવામાં આવ્યા. એટલું જ નહીં, મૃત્યુદંડની સજા પામેલા યુદ્ધ અપરાધીને સંસદનો સભ્ય બનાવીને લાખો શહીદોના બલિદાનનું અપમાન કરવામાં આવ્યું છે.”
હસીનાએ વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાની દળોના સમર્થકોને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે ઇતિહાસની વિરૂદ્ધ અને સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવના પર હુમલો છે. તેમણે અપીલ કરી કે પાકિસ્તાની વિચારધારાને દેશમાં ફરીથી લાવવાના કોઈપણ પ્રયાસને રાષ્ટ્રીય એકતા દ્વારા અટકાવવો જોઈએ.
૧૯૭૧ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભારતની ભૂમિકા નિર્ણાયક અને ઐતિહાસિક હતી. ભારતના સહયોગ વિના બાંગ્લાદેશનું નિર્માણ આટલું ઝડપથી શક્ય નહોતું. ભારતની ભૂમિકાને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે:
૧. સૈન્ય ભૂમિકા (Operation Trident & Blitz)
-
મુક્તિ વાહિનીને તાલીમ: ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનના વિદ્રોહીઓ (મુક્તિ વાહિની) ને તાહીમ, હથિયારો અને વ્યૂહાત્મક મદદ પૂરી પાડી હતી.
-
સીધું યુદ્ધ (૩ ડિસેમ્બર ૧૯૭૧): જ્યારે પાકિસ્તાને ભારતના પશ્ચિમી એરબેઝ પર હુમલો કર્યો, ત્યારે ભારતે સત્તાવાર રીતે યુદ્ધમાં ઝંપલાવ્યું. માત્ર ૧૩ દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ઘૂંટણિયે લાવી દીધી હતી.
-
ઐતિહાસિક શરણાગતિ: ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ઢાકામાં પાકિસ્તાની જનરલ નિયાઝીએ પોતાના ૯૩,૦૦૦ સૈનિકો સાથે ભારતીય જનરલ જગજીત સિંહ અરોરા સામે શરણાગતિ સ્વીકારી હતી. બીજા વિશ્વયુદ્ધ પછીની આ સૌથી મોટી સૈન્ય શરણાગતિ હતી.
૨. માનવતાવાદી ભૂમિકા (શરણાર્થી સંકટ)
-
પાકિસ્તાની સેનાના અત્યાચારોથી બચવા માટે આશરે ૧ કરોડ (૧૦ મિલિયન) બાંગ્લાદેશી શરણાર્થીઓ ભારતમાં (ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં) આવ્યા હતા.
-
પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને આશરો, ખોરાક અને તબીબી સુવિધા આપી હતી.
૩. રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય ભૂમિકા
-
વૈશ્વિક સમર્થન: ઇન્દિરા ગાંધીએ વિશ્વના વિવિધ દેશોનો પ્રવાસ કરી પાકિસ્તાન દ્વારા આચરવામાં આવતા નરસંહાર વિશે જાગૃતિ ફેલાવી હતી.
-
સોવિયેત સંઘ સાથે મિત્રતા: જ્યારે અમેરિકા (USA) પાકિસ્તાનને મદદ કરવા માટે પોતાનું ‘સાતમું નૌકાદળ’ (7th Fleet) મોકલી રહ્યું હતું, ત્યારે ભારતે સોવિયેત સંઘ (Russia) સાથે ૨૦ વર્ષની શાંતિ અને સહયોગ સંધિ કરી હતી, જેના કારણે અમેરિકા પાછળ હટવું પડ્યું હતું.
-
પ્રથમ માન્યતા: ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ હતો જેણે બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સત્તાવાર માન્યતા આપી હતી.
