Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા ફેલાવનારની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ

લોકોનો ઘસારો જોવા મળતા અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલ ખૂટી પડતા તે બંધ કરવા પડ્‌યા હતા, તેમજ મોડી રાત્રિ સુધી અનેક લોકોએ પેટ્રોલ ભરાવવા માટે રાહ જોવી પડી હતી.

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં ગત સોમવારે પેટ્રોલ-ડીઝલ ખૂટી પડ્‌યાની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી.આ રીતે અફવા ફેલાવી લાખો લોકોના સમયની બરબાદી કરનાર તત્વો અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની સંગ્રહાખોરી કરતા તેમજ કાળાબજારી કરતા તત્વો પર વોચ રાખવામાં આવી રહી છે.આવા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ સિનિયર આઈપીએસ અધિકારીઓ જણાવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં અફવાઓનું બજાર ગરમ થતા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો થઈ હતી. લાખો લોકો પેટ્રોલ ભરાવવા માટે પંપો તરફ દોડયા હતા. સોમવાર બપોરથી શરૂ થયેલી અફરાતફરી મંગળવારે પણ જોવા મળી હતી. આ રીતે લોકોનો ઘસારો જોવા મળતા અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલ ખૂટી પડતા તે બંધ કરવા પડ્‌યા હતા, તેમજ મોડી રાત્રિ સુધી અનેક લોકોએ પેટ્રોલ ભરાવવા માટે રાહ જોવી પડી હતી.

આ પરિસ્થિતિમાં સ્થાનિક પોલીસ દ્વારા સતત અપીલ કરી લોકોને અજ્વાથી દૂર રહેવા માટે જાણકારી અપાઈ હતી, પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી. બીજી તરફ રાજ્યના ડેપ્યુટી સીએમએ પણ આ માત્ર અફવા હોવાની સ્પષ્ટતા કરી હતી.

આ સમગ્ર કરતૂત પાછળના સૂત્રધારોને શોધવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હોવાનું સિનિયર આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ-ડીઝલની સંગ્રહાખોરી રોકવા માટે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકોને પણઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલનો મોટા જથ્થાનો ઓર્ડર ન લેવા માટે અગાઉથી જાણ કરી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૌખિક સૂચના મુજબ અમે તપાસ કરી રહ્યા છીએ કે અફવા પાછળ કોણ કારણભૂત છે.

સોશિયલ મીડિયામાં પણ કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જે મામલે જુદા-જુદા શહેરોમાં કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરી કાળાબજારીની યોજના બનાવનાર તત્વો અંગે પણ તપાસ ચાલી રહી છે.

પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જરૂરિયાત પૂરતું જ પેટ્રોલ-ડીઝલ ખરીદો જેના કારણે અવ્યવસ્થા ન સર્જાય. ગત સોમવાર-મંગળવારના રોજ સર્જાયેલી અવ્યવસ્થાને પગલે અનેક પેટ્રોલ પંપોમાં વાહનોની લાંબી કતારોને કારણે ઈંધણ ખૂટી પડયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.