Western Times News

Gujarati News

હોર્મુઝની ખાડી પછી ઈરાનની આ બીજો જળમાર્ગ બંધ કરવાની ધમકી

જો ઈરાન બાબ અલ-મંડેબ પણ બંધ કરાવી દેશે, તો પછી જહાજોને આફ્રિકાના દક્ષિણ છેડેથી પસાર થઈને લાંબો રસ્તો લેવાની ફરજ પડશે.

આ જળમાર્ગનું નામ ‘આંસુનો દરવાજો’ પડ્‌યું હતું. 

(એજન્સી)તહેરાન, મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે એક નવો વિવાદ ઊભો થયો છે. હોર્મુઝની ખાડીના જળ માર્ગ પર પર ઈરાનની પકડ ઢીલી કરવા માટે અમેરિકા ઈરાનના ખાર્ગ ટાપુ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

આવી ચર્ચાએ જોર પકડતાં ઈરાને દુનિયાને ધમકી આપતાં કહ્યું છે કે જો અમારા માટે આ મહત્ત્વના ગણાતા ટાપુ પર હુમલો થયો, તો ઈરાન ‘બાબ અલ-મંડેબ સ્ટ્રેટ’માં નાકાબંધી કરી દેશે.

જે રસ્તેથી વિશ્વના ૧૨ ટકા ક્રૂડ ઓઇલની અવરજવર થાય છે, તે બંધ કરી દેવાની ઈરાનની ધમકીથી યુદ્ધનો માહોલ ઔર ગરમાયો છે. ચાલો જાણીએ કે ‘બાબ અલ-મંડેબ’ સામુદ્રધુની એટલે કે ‘આંસુનો દરવાજો’ ક્યાં આવેલો છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ શું છે. bab al mande straight

‘બાબ અલ-મંડેબ’ની ખાડી એશિયા અને આફ્રિકાને જોડે છે. એશિયાના યમન અને આફ્રિકાના જિબુટી વચ્ચે આવેલો આ જળમાર્ગ રાતા સમુદ્રને ઈડનનાં અખાત અને અરબ સાગર સાથે જોડે છે. ઈરાન જાણે છે કે હોર્મુઝની ખાડી પર તેનું નિયંત્રણ તેનું સૌથી મોટું શસ્ત્ર છે.

આ ખાડીમાંથી વિશ્વના ૨૦ ટકા ઊર્જા સ્ત્રોતો પસાર થાય છે. જ્યાં સુધી ઈરાન હોર્મુઝની ખાડીનું નાક દબાવીને બેઠું છે ત્યાં સુધી તેને હરાવી નહીં શકાય. તેથી જ હોર્મુઝને ફરીથી ખોલવા માટે ખાર્ગ ટાપુ પર હુમલો કરવાની યોજના અમેરિકા બનાવી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ દરિયાઈ માર્ગ ખૂબ જ સાંકડો છે. એનો સૌથી સાંકડો હિસ્સો તો માત્ર ૨૬ કિલોમીટર (આશરે ૧૬ માઈલ) પહોળો છે. આ સાંકડા માર્ગમાં રહેલા ખડકો અને ઉથલપાથલ ભરેલા પાણીને કારણે દરિયાઈ સફર ખૂબ જોખમી બને છે. ભૂતકાળમાં જહાજી વ્યવહારની ટેકનોલોજી આજના જેવી આધુનિક નહોતી, ત્યારે અહીંથી પસાર થતાં જહાજો ઘણીવાર અકસ્માતગ્રસ્ત થઈને ડૂબી જતાં.

જહાજો ભેગા નાવિકો અને મુસાફરો પણ ડૂબી જતા જેના કારણે અનેક લોકો દુઃખી થતાં, આંસુ સારતા અને તેથી આ જળમાર્ગનું નામ ‘આંસુનો દરવાજો’ પડ્‌યું. હાલ હોર્મુઝનો જળ માર્ગ બંધ હોવાથી ઓઈલ ઉત્પાદક દેશો તેમના જહાજો રાતા સમુદ્રના માર્ગે મોકલી રહ્યા છે. જો ઈરાન બાબ અલ-મંડેબ પણ બંધ કરાવી દેશે, તો પછી જહાજોને આફ્રિકાના દક્ષિણ છેડેથી પસાર થઈને લાંબો રસ્તો લેવાની ફરજ પડશે.

તેનાથી મુસાફરીનો સમય અને ખર્ચ બંને વધશે, જેની સીધી અસર ઓઈલના ભાવ પર પડશે. અલબત્ત અમેરિકા હુથી બળવાખોરોને આસાનીથી આ જળ માર્ગમાં ફાવવા દે એમ નથી.

જિબુટી તરફ અમેરિકાનું મોટું લશ્કરી થાણું આવેલું છે, જે કોઈ પણ પ્રકારના વિક્ષેપનો તાત્કાલિક સામનો કરી શકે એમ છે. તેથી ઈરાને જો આ વિસ્તારમાં નાકાબંધી કરવાની કોશિશ કરી તો સંઘર્ષનો નવો મોરચો અહીં ખુલી જાય અને યુદ્ધ ઔર વધુ વકરે એવું બનવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.