Western Times News

Gujarati News

ખેડૂત સાથે ડૉલર બદલવાના બહાને રૂ.૧૫ લાખની છેતરપિંડી

સ્વામિનારાયણ સંસ્થાના સેવક તરીકે ઓળખ આપી ખેડૂતને વિશ્વાસમાં લઈ ટુવા પાસે કેનાલ કિનારે રોકડ રકમ લઈ ઠગો ફરાર

ગોધરા, પંચમહાલ જિલ્લામાં ડૉલર બદલવાના બહાને મોટી રકમની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં પેટલાદ તાલુકાના પારજ ગામના ખેડૂત મુકેશભાઈ કાલીદાસ પટેલ સાથે ?૧૫ લાખની ઠગાઈ કરવામાં આવી છે. ઘટનાને લઈને કાંકણપુર પોલીસ મથકે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

માહિતી મુજબ, ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ મુકેશભાઈને એક અજાણ્યા નંબર પરથી વોટ્‌સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને સ્વામિનારાયણ સંસ્થાનો સેવક તરીકે ઓળખાવી ડૉલરને ભારતીય રૂપિયામાં બદલવા માટે મદદ માગી હતી.

શરૂઆતમાં મુકેશભાઈએ શંકા વ્યક્ત કરી વાતચીત ટાળી હતી, પરંતુ આરોપી સતત સંપર્કમાં રહી વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો. વધુ મોટી રકમના ડૉલર બદલવાની લાલચ આપી મુકેશભાઈને વિશ્વાસમાં લઈ લીધો હતો.

આગળ ૨૪ માર્ચના રોજ વહેલી સવારે મુકેશભાઈ ભાડાની કારમાં ડ્રાઈવર સાથે ગોધરા તરફ નીકળ્યા હતા. રસ્તામાં ટુવા નજીક પહોંચતા આરોપીએ ફોન દ્વારા સૂચના આપી કે કેનાલ પાસે એક વ્યક્તિને પૈસા આપવાના છે. મુકેશભાઈ ત્યાં પહોંચતા એક અજાણ્યો ઈસમ મળ્યો, જેણે ફોન પર વાત કરાવી વિશ્વાસ ઉભો કર્યો અને મુકેશભાઈ પાસેથી રૂ. ૧૫ લાખ ભરેલી બેગ લઈ લીધી.

બદલામાં આરોપીએ મુકેશભાઈને કાળી થેલીમાં ડૉલર આપ્યા અને તરત જ રેલવે લાઇન ઓળંગીને ભાગી ગયો. ત્યારબાદ તે પોતાના સાથીદાર સાથે બાઈક પર ફરાર થઈ ગયો હતો. શંકા જતા મુકેશભાઈએ થેલી ખોલી તપાસ કરતા તેમાં માત્ર ૪૯૫ ડૉલર જ હોવાની હકીકત સામે આવી, જેની કિંમત અંદાજે ?૪૫,૦૦૦ જેટલી થાય છે.

આ રીતે મોટી રકમ ગુમાવતા મુકેશભાઈએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. કાંકણપુર પોલીસે અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.