Western Times News

Gujarati News

નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની ભલામણથી વિવર્સમાં ચિંતા

હવે વિસ્કોસ ફિલામેન્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીની ભલામણથી વિવર્સમાં ચિંતા -આયાતી નાયલોન યાર્ન પર કિલોએ રૂ.ર૩.પ થી ૭૮ સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી

સરકાર ક્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવે છે?

સુરત, ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમીડીઝ દ્વારા નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની લાદવામાં આવી છે. હજારો વિવર્સ વિરુદ્ધ બાયસ માઈન્ડથી શંકાસ્પદ ચુકાદો આપવામાં આવ્યો હોવાનું નાયલોન વિવર્સ કહી રહ્યા છે.

ડીજીટીઆરના અંતિમ ચુકાદામાં આયાતી નાયલોન યાર્ન પર કિલોને રૂ.ર૩.પ થી ૭પ સુધીની વિવિધ એન્ટી ડમ્પિંગ ડયુટી લાદવામાં આવી છે. આયાતી નાયલોન યાર્ન બાદ વિસ્કોસ ફિલામેન્ટ પર પણ એન્ટી ડમ્પિંગ ડયુટીની ડીજીટીઆરની ભલામણથી વિવર્સ આલમમાં ચિંતા વ્યાપી છે.

સુરતનો ટેકસટાઈલ ઉદ્યોગ વિસ્કોસ યાર્ન આધારિત છે. શહેરમાં દર વર્ષે અંદાજે રપ હજારથી ૩૦ હજાર મેટ્રીક ટન વિસ્કોસની માગ રહે છે. ભારતીય બજારમાં ચીનનું સસ્તુ વિસ્કોસ યાર્ન મળી રહે છે. સ્થાનિક ઉત્પાદકોને ભારે તકલીફ પડતી હોવાથી ડયુટી લાદવાનો પ્રસ્તાવ કરાયો હતો.

ડીજીટીઆર દ્વારા સ્થાનિક અભ્યાસ કરી એન્ટી ડમ્પિંગ ડયુટી લાદવાની ભલામણ કરાઈ છે. ડીજીટીઆરની નવી ભલામણથી વિવિંગ ઉદ્યોગ પર તેની કેવી અસર પડશે તેનો અભ્યાસ વિવર્સ અને સમગ્ર કાપડ ઉદ્યોગ કરવા લાગ્યો છે. આ તરફ ગત સપ્તાહે આયાતી નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે.

અગ્રણી વિવર મયુર ગોળવાલા કહે છે કે, હાલમાં નાયલોન એફડીવાય અને મધરયાર્નની એક માસની માગમાં ૭૦૦૦ ટનથી વધુની ગંભીર અછત છે. આમ સ્પીનર્સનો નફો અને માગની સામે ઉત્પાદનની ઘટ જોતા ડીજીટીઆરએ હજારો વિવર્સ વિરુધ્ધ બાયર્સ માઈન્ડથી ચુકાદો આપ્યો હોય તેવું સ્પષ્ટ લાગી આવે છે. આગામી દિવસોમાં આ મામલે નાણામંત્રાલય, ટેકસટાઈલ મંત્રાલય, સાંસદને રજૂઆત કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, વિવર્સ, નીટર્સ અને જરી ઉદ્યોગે ડીજીટીઆરના ચુકાદાથી પેનીક થવું નહી. ડીજીટીઆરનો આ ચુકાદો ફાઈનલ નથી અને નાણામંત્રાલય આ અંગે ૯૦ દિવસમાં નિર્ણય લેશે. જેથી ગભરાટમાં આડેધડ નાયલોન યાર્નની ખરીદી કરવી નહી.

ભૂતકાળમાં વર્ષ ર૦૧૮માં પણ ડીજીટીઆરએ આયાતી નાયલોન યાર્ન ઉપર એન્ટી ડમ્પિંગ ડયુટી લાદવા સ્પીનર્સોના પક્ષે ચુકાદો આપેલ પરંતુ સરકારે તે વખતે અંતિમ નિર્ણય વિવર્સના પક્ષમાં આપ્યો હતો. આ વખતે પણ વિવર્સના પક્ષમાં અંતિમ નિર્ણય આવશે તેવી આશા છે.

સરકાર ક્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવે છે?

એન્ટી ડમ્પિંગ ડ્યૂટી (Anti-Dumping Duty) લગાવવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે નથી, પરંતુ ભારત સરકાર (કેન્દ્ર સરકાર) પાસે છે.

ભારતમાં કોઈપણ વિદેશી વસ્તુ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવવાનો નિર્ણય કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય અને નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવે છે. જ્યારે ગુજરાતના ઉદ્યોગોને નુકસાન થતું હોય, ત્યારે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને આવી ડ્યૂટી લગાવવા માટે ભલામણ અથવા રજૂઆત કરી શકે છે.

કેન્દ્ર સરકાર નીચે મુજબની પરિસ્થિતિઓમાં આ ડ્યૂટી લગાવે છે:

૧. જ્યારે ‘ડમ્પિંગ’ થતું હોય

જ્યારે કોઈ દેશ (જેમ કે ચીન) તેની વસ્તુઓ તેના પોતાના દેશના બજાર ભાવ કરતા પણ ઓછી કિંમતે ભારતમાં વેચે, ત્યારે તેને ‘ડમ્પિંગ’ કહેવામાં આવે છે.

૨. સ્થાનિક ઉદ્યોગોને નુકસાન

જ્યારે સસ્તી આયાતને કારણે ગુજરાત કે ભારતના સ્થાનિક ઉત્પાદકો (દા.ત. મોરબીનો સિરામિક ઉદ્યોગ, સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ કે કેમિકલ સેક્ટર) ને આર્થિક નુકસાન થતું હોય, તેમનું વેચાણ ઘટતું હોય અથવા એકમો બંધ થવાની નોબત આવે.

૩. તપાસ અને પુરાવા (DGTR તપાસ)

  • જ્યારે સ્થાનિક ઉદ્યોગો સરકારને ફરિયાદ કરે, ત્યારે DGTR (Directorate General of Trade Remedies) તપાસ શરૂ કરે છે.

  • તપાસમાં સાબિત થાય કે વિદેશી કંપની જાણીજોઈને સસ્તા ભાવે માલ મોકલીને ભારતીય બજારને તોડવા માંગે છે, ત્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ કરવામાં આવે છે.

૪. ડ્યૂટી લગાવવાની પ્રક્રિયા

  • ભલામણ: વાણિજ્ય મંત્રાલય હેઠળની DGTR સંસ્થા ડ્યૂટી લગાવવાની ભલામણ કરે છે.

  • અમલીકરણ: છેલ્લે કેન્દ્રીય નાણાં મંત્રાલય નોટિફિકેશન બહાર પાડીને આ ડ્યૂટી લાગુ કરે છે. સામાન્ય રીતે આ ડ્યૂટી ૫ વર્ષ માટે લગાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.