Western Times News

Gujarati News

યુદ્ધને પગલે નિકાસ અટકતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડનો ભરાવો

સુરત, યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસના માર્ગાે અવરોધાતા સુરતના કાપડ બજારમાં ભારે મંદીનો માહોલ છવાયો છે. ખાસ કરીને યુરોપ અને ગલ્ફ દેશોમાં થતી મોટાપાયે નિકાસ હાલ અટકી પડી છે અને ઓર્ડર્સમાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિને કારણે સુરતના વેપારીઓ પાસે તૈયાર કાપડનો સ્ટોક સતત વધી રહ્યો છે.

આ સ્થિતીમાં અનેક ઉદ્યોગકારોએ ઉત્પાદનમાં કાપ મૂકવાની ફરજ પડી છે. નવી પ્રોડક્શન સાયકલ ખોરવાતા આખા ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના જીતુભાઈ વખારિયા કહે છે કે, બીજી તરફ, યુદ્ધને કારણે ઉર્જા અને કાચા માલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. યાર્ન, કલર-કેમિકલ અને કોલસા જેવી જીવનજરૂરી ચીજો મોંઘી થતા ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થયો છે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું પડ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન કે અન્ય સ્પર્ધક દેશો સામે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. શિપમેન્ટમાં થઈ રહેલા વિલંબ અને સમયસર ડિલિવરી ન થવાને કારણે પેમેન્ટ પણ અટવાયા છે, જેની સૌથી વધુ માઠી અસર નાના અને મધ્યમ કદના એકમો પર પડી રહી છે.

હાલમાં સુરતના કાપડ વેપારીઓ આ સંકટમાંથી ઉગરવા માટે સરકાર પાસે વિશેષ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. સચિન જીઆઈડીસી સોસાયટીના સેક્રેટરી મયુર ગોળવાળા કહે છે કે, કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવરથી માંડીને વેપારી સુધીના તમામ ચારેબાજુથી ભીંસમાં મૂકાયા છે. સમય ઘણો જ પડકારજનક છે. પેમેન્ટની સાયકલ પણ ૧૪૦ દિવસની કરી દેવાઈ છે. આવા સંજોગોમાં નાના વિવરની હાલત સૌથી વધારે કફોડી થઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.