મોડાસાના સાકરીયા ધામ ખાતે હનુમાન જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના સાકરીયા ગામે આવેલ સુપ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી ભીડભંજન દેવ મંદિર-સાકરીયા ધામ ખાતે આગામી સમયમાં ત્રિ-દિવસીય ભવ્ય ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લાના આ આસ્થાના કેન્દ્ર પર ચૈત્ર સુદ પૂનમ, તારીખ ૦૨-૦૪-૨૦૨૬ ને ગુરુવારના રોજ શ્રી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે ભીડભંજન દેવસ્થાન ખાતે ભવ્ય ‘શ્રી મારૂતિ યજ્ઞ’નું સુંદર આયોજન કરાયું છે. કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે ૬-૨૯ કલાકે પ્રાતઃ આરતી, સવારે ૮-૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ અને સાંજે ૪-૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે, ત્યારબાદ સાંજે ૫-૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે.
આ સાથે જ સાકરીયા ધામ ખાતે નૂતન ભીડભંજન દેવ મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવ નિમિત્તે દિવ્ય ત્રિ-દિવસીય કાર્યક્રમો યોજાશે. જેમાં શ્રી સ્વયંભૂ ભીડભંજન દાદાનો એકાદશ કુંડાત્મક મારૂતિયાગ તેમજ શ્રી સીતારામચંદ્ર પરિવાર તથા શ્રી ગણપતિદાદા પરિવારનો મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ દિવ્ય મહાયાગનો પ્રારંભ વિક્રમ સંવત ૨૦૮૨ના વૈશાખ સુદ-૬ ને બુધવાર, તારીખ ૨૨-૦૪-૨૦૨૬ના રોજ થશે
અને તેની પૂર્ણાહુતિ વૈશાખ સુદ-૮ ને શુક્રવાર, તારીખ ૨૪-૦૪-૨૦૨૬ના રોજ થશે. શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સમસ્ત સાકરીયા ગ્રામજનો દ્વારા આ ધાર્મિક પ્રસંગોમાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
