Western Times News

Gujarati News

સંસદનું બજેટ સત્ર પૂરું થવાના દિવસે જ તેને ત્રણ દિવસ લંબાવવા નિર્ણય લેવાયો

નવી દિલ્હી, સંસદનું બજેટ સત્ર બીજી એપ્રિલે પૂરું થવાનું હતું અને આ સાથે બંને ગૃહ અનિશ્ચિત સમય માટે સ્થગિત રહેવાના હતા. જો કે સરકારે સત્રને આગળ લંબાવવાનો નિર્ણય કર્યાે છે. હવે રાજ્યસભા અને લોકસભાના તમામ સાંસદો ૧૬ એપ્રિલે સવારે ૧૧ કલાકે ફરી એક વાર ગૃહમાં ભેગા થશે. આ સત્ર ૧૬ એપ્રિલથી ૧૮ એપ્રિલ સુધી ચાલશે. સરકારે મહિલા અનામત કાયદાને ઝડપથી અમલી બનાવવા આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

હાલ લોકસભાની બેઠકો ૫૪૩ છે, જેને વધારીને ૮૧૬ કરવાની તૈયારી ચાલી રહી છે.સંસદમાં બેઠકો વધારવાની કવાયત સાથે સંકળાયેલા બિલ અને જરૂરી બંધારણીય સુધારાને પસાર કરાવવા માટે સંસદને ફરી બોલાવવામાં આવશે. ગુરુવારે સંસદની કાર્યવાહી દરમિયાન રાજ્યસભાના ઉપ-સભાપતિ હરિવંશે ૧૬ એપ્રિલ સુધી ગૃહને સ્થગિત રાખવાની ઘોષણા કરી હતી. અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ, સંસદનું બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીથી બીજી એપ્રિલ સુધી યોજાવાનું હતું.

ગુરુવારે આ સત્રનો છેલ્લો દિવસ હતો, પરંતુ સરકારના એજન્ડામાં કેટલાક મોટા અને મહત્ત્વના કામ પડતર હોવાથી શીડ્યુલમાં ફેરફાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં સંસદે જંગી બહુમતીથી મહિલા અનામત બિલને પસાર કર્યુ હતું. નિયમ મુજબ, દેશમાં આગામી વસતી ગણતરી અને સીમાંકન બાદ મહિલા અનામત લાગુ થઈ શકે છે. આ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે, જેના કારણે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા આ ફેરફારનો અમલ કરવાનું અઘરુ હતું.

આ અડચણ દૂર કરવા માટે સરકારે સંશોધન બિલ લાવવાનું વિચાર્યું છે. જેમાં વસતી ગણતરીની રાહ જયા પછી ૨૦૧૧ની જનસંખ્યાના આધારે જ પુનઃસીમાંકનની પ્રક્રિયાને આગળ વધારવા તજવીજ શરૂ કરાઈ છે. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.