Western Times News

Gujarati News

બિહારના મોતિહારીમાં ઝેરી દારૂથી પાંચ વ્યક્તિનાં મોત

પ્રતિકાત્મક

મોતિહારી, બિહારના મોતિહારીમાં ઝેરી દારૂએ ફરી એકવાર અનેક પરિવારોમાં માતમ પ્રસરાવી દીધો છે. રઘુનાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલગંગા ગામમાં સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયાં છે, જ્યારે ૧૫ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સૌથી ભયાનક બાબત એ છે કે દારૂ પીનારા ૬ થી ૭ લોકોની આંખોની રોશની સંપૂર્ણપણે જતી રહી છે.

પ્રથામિક માહિતી મુજબ બુધવારે સાંજે બાલગંગા અને આસપાસના વિસ્તારોમાં લોકોએ દારૂનું સેવન કર્યું હતું. ગુરુવારે પ્રમોદ યાદવના મોત બાદ મામલો શંકાસ્પદ જણાયો હતો, પરંતુ શુક્રવારે સવારે સારવાર દરમિયાન પરીક્ષણ માંઝી (૪૬ વર્ષ) અને હીરાલાલ મહતોએ દમ તોડ્યો હતો. અન્ય એક વ્યક્તિનું મૃત્યુ પણ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું.

આશંકા છે કે આશરે ૩૦ થી ૪૦ લોકોએ આ ઝેરી જથ્થાનું સેવન કર્યું છે, જેથી મૃત્યુઆંક વધી શકે છે. લક્ષ્મીપુર ગદરિયાના રાજેન્દ્ર કુમારે જણાવતા કહ્યું કે, દારૂ પીધાના માત્ર અડધા કલાકમાં જ તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. સરકારી હોસ્પિટલના ડો. અનૂપ ગૌતમે પુષ્ટિ કરી છે કે હોસ્પિટલ પહોંચેલા મોટાભાગના દર્દીઓમાં આંખોની રોશની પ્રભાવિત થવાના લક્ષણો જોવા મળ્યા છે.

આ લઠ્ઠાકાંડને પગલે પોલીસે મૃતક પ્રમોદ યાદવના પરિવારની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય કાવતરાખોર નાગા રાયની અટકાયત કરી છે. આ સાથે અન્ય ૬ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, પરસૌના પંચાયતના ચોકીદાર ભરત રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની ઊંડી તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.