Western Times News

Gujarati News

પોલીસે જંગલમાં ત્રાટકી તાડપત્રીમાં સંતાડી રાખેલ રૂ.૬.૪૧ લાખનો વિદેશી દારૂ પકડ્‌યો

(પ્રતિનિધિ) દેવગઢ બારીયા, દેવગઢ બારીયાના મેઘામુવાડી ગામનાં જંગલમાં ત્રાટકેલી દેવગઢબારિયા પોલીસે તાડપત્રીમાં સંતાડી રાખેલ રૂપિયા ૬.૪૧ લાખ ઉપરાંતની કિંમતના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની ૭૫ જેટલી પેટીઓ પકડી પાડી એક વ્યક્તિની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીયા પોલીસની ટીમ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામના મહેંદી ખેડા ફળિયામાં રહેતા મુકેશભાઈ ચંદુભાઈ પટેલ, શૈલેષભાઈ હિંમતભાઈ પટેલ તથા દેવગઢબારિયા તાલુકાના ભુવાલ ગામના પ્રકાશભાઈ પર્વતભાઈ પટેલ એમ ત્રણેય જણાય વિદેશી દારૂનો વેપલો કરવા બહારથી દારૂનો જંગી જથ્થો મંગાવી મેગામ મુવાડી ગામના જંગલમાં એક જગ્યાએ તાડપત્રીમાં સંતાડી રાખેલ હોવાની ગુપ્ત બાતમી તેઓના બાતમીદાર દ્વારા મળી હતી.

જે બાતમીને આધારે દેવગઢબારિયા પોલીસ તાબડતોબ બાતમીમાં દર્શાવેલ જગ્યાએ પહોંચી ગઈ હતી અને તાડપત્રીમાં સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા ૬,૪૧,૨૯૨/- ની કુલ કિંમતની પેટીઓ નંગ-૭૫ પકડી પાડી સ્થળ પર હાજર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામના મુકેશભાઈ ચંદુભાઈ પટેલની અટકાયત કરી હતી અને મુકેશભાઈ પટેલ પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/-ની કિંમતનો ર્ppર્ કંપનીનો મોબાઇલ ફોન પકડી પાડી કુલ રૂપિયા ૬,૫૧,૨૯૨/-ના મુદ્દામાલ કબજે લીધો હતો.

આ સંદર્ભે દેવગઢ બારિયા પોલીસે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામના મહેંદી ખેડા ફળિયાના મુકેશભાઈ ચંદુભાઈ પટેલ, દેવગઢ બારીયા તાલુકાના ભુવાલ ગામના પ્રકાશભાઈ પર્વતભાઈ પટેલ તથા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામના શૈલેષભાઈ હિંમતભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.