Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરની સિટી સરવે કચેરીમાં અરજદારોને બીનજરૂરી પરેશાન કરાતા હોવાની મુખ્યમંત્રીને રજૂઆત

સુરેન્દ્રનગરની સિટી સરવે કચેરીમાં ગેરરીતિ ચાલતી હોવાની ઝાલાવાડ ચેમ્બરની ફરિયાદ

સુરેન્દ્રનગર, અહીની સિટી સર્વે કચેરી ૧ અને ર માં પ્રોપર્ટી કાર્ડની નોંધણીમાં થતી પારાવાર હેરાનગતિ, ભ્રષ્ટાચાર અને અકારણ વિલંબ મામલે ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરના ઉપપ્રમુખ દિલીપસિંહ પરમારે પત્ર દ્વારા સિટી સર્વેની કામગીરીને ફેસલેસ અને પારદર્શક બનાવવાની માંગ કરી છે.

ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની રજુઆત મુજબ સામાન્ય નિયમ મુજબ ૪પ દિવસમાં થતી પાકી નોંધ માટે ૧ થી ર વર્ષ સુધીનો વિલંબ કરવામાં આવે છે. સામાન્ય નાગરિકોનો આક્ષેપ કરે છે કે વચેટીયાઓ સિવાય કોઈ કામ થતું જ નથી અને મિલકતની કિંમત મુજબ ભ્રષ્ટાચારના દર નકકી થાય છે.

જે રોકર્ડ સરકાર પાસે ઉપલબ્ધ છે, તેવા દરેક ૬૦-૭૦ વર્ષ જુના બિન-ખેતી હુકમો અને લે-આઉટ પ્લાન, ટીપી પ્લાન, કેજેપી ફોર્મ, એફ ફોર્મ અને દરેક વખતે અરજદારો પાસે ફરી માંગવામાં આવે છે, જે ન્યાયિક નથી. અરજીમાં કોઈ પૂર્તતા હોય તો તેની જાણ અરજદારને લેખિતમાં કરવાને બદલે અરજદાર રૂબરૂ જાય ત્યારે જ નવા નવા ડોકયુમેન્ટ માંગીને માનસિક, શારિરીક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવે છે.

ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૃત્યુ બાદ વારસાઈ નોંધ માટે પેઢી રજીસ્ટર્ડ હોવાનો આગ્રહ રાખવામાં આવે છે, જે કાયદેસર રીતે મરજિયાત હોવા છતાં અરજદારોને અટકાવવામાં આવે છે.

ભ્રષ્ટાચાર રોકવા માટે સમગ્ર પ્રક્રિયાને કેસલેલ બનાવવી, સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ થાય તે સાથે જ સિટી સર્વેમાં ૧૩પ-ડીની નોટિસ નીકળે અને ૧૦ દિવસમાં આપોઆપ નોંધ પડી જાય તેવી કાયમી વ્યવસ્થા કરવી, અરજી કયા અધિકારીના ટેબલ પર છે તેની વિગતો અરજદાર ઓનલાઈન જોઈ શકે તેવી વ્યવસ્થા કરવી

અને વિલંબ થાય તો શા કારણે વિલંબ તેની જાણ અરજદારને પોર્ટલ પરથી જ મળી રહે. કચેરીમાં શિસ્ત અને કામગીરી પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અને બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવા સહિતની માંગણી મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને જિલ્લા કલેકટર સમક્ષ પણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.