Western Times News

Gujarati News

ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ

AI Image

સાબરકાંઠાના ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ નાસતા ફરતા પાંચને ઝડપી લેવાયા

(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે આશયથી કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. ત્યારે તાજેતરમાં જિલ્લાના તલોદ, ખેરોજ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ તેઓ ફરાર હતા. જેથી એલસીબી અને એસઓજીના સ્ટાફે પાંચેયને ઝડપી લઇ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દીધા હતા.

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી તાજેતરમાં એલસીબી અને એસઓજીએ ફરાર શખ્સોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે તેમાં ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપીને ખેરોજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી હતી.

ઉપરાંત ઇડરના વસાઈ ગામનો રહેવાસી રમણસિંહ અનારસિંહ સોલંકી પણ બે વર્ષથી ફરાર હતો તેને હિંમતનગરની સિવિલ સર્કલ રોડ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ બંનેને ખેરોજ અને હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાયા હતા.

ઉપરાંત એલસીબી ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજના અન્ય એક ગુનામાં બે વર્ષથી ફરાર ઓમરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ (ઉંમર ૩૪, રહે. રાધીવાડ, તા. ખેડબ્રહ્મા)ને ખેડબ્રહ્માના મેત્રાલ નજીક વીરકૃપા હોટલના પાર્લર પાસેથી ઝડપી લીધો હતો. તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.

ઉપરાંત એલસીબીએ તલોદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એક વર્ષથી ફરાર કિશનસિંહ મનહરસિંહ ચૌહાણ (રહે. માથાસુરિયા, તા. બાયડ, અરવલ્લી, હાલ રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ)ને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો અને તેને હિંમતનગર બી ડિવીઝન પોલીસને હવાલે કરાયો હતો.

જ્યારે એસઓજીની ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મારામારી અને એટ્રોસિટી કેસમાં છેલ્લા અઢી વર્ષથી ફરાર વિનયસિંહ ચંપકસિંહ જાડેજા (ઉં.વ.૩૫, રહે. દહેગામડા, તા. ભિલોડા, અરવલ્લી, હાલ રહે. હાજીપુર ગામ, હિંમતનગર)ને ઝડપી પાડ્‌યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.