Western Times News

Gujarati News

‘સ્વેપ’ અભિયાન હેઠળ અમદાવાદના વિદ્યાર્થીઓએ જગાવી મતદાનની જ્યોત

શહેરની અગ્રણી શાળાઓમાં પોસ્ટર રેલી દ્વારા ૧૦૦% મતદાનનો સંકલ્પ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીમાં મતાધિકારના પવિત્ર સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક વિશેષ મુહિમ છેડવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ અધિકારી આર. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ‘સ્વેપ’ અંતર્ગત શહેરની શાળાઓમાં સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રુબ્સ હાઈસ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ અને સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સહિતની અનેક શાળાઓ ઉત્સાહભેર જોડાઈ હતી.

તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનમાં મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશય સાથે વિદ્યાર્થીઓએ ચિત્રકામ, નિબંધ લેખન અને આકર્ષક પોસ્ટર રેલી દ્વારા ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ અને ‘મારો મત, મારી તાકાત’ જેવા વિષયો પર લોકજાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સામૂહિક રીતે ૧૦૦ ટકા મતદાન કરવાના અને અન્યોને મતદાન માટે પ્રેરિત કરવાના શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ૭ એપ્રિલે પણ મતદાનમાં મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan-SVAP) અભિયાન હેઠળ શહેરની વિવિધ શાળાઓમાં ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ સાથે જ લોકશાહીના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે આકર્ષક સેલ્ફી પોઈન્ટ્‌સ, ભવ્ય સાયકલ રેલી અને મતદાર જાગૃતિ રેલીઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાનના ભાગરૂપે ઈસનપુર પબ્લિક સ્કૂલ-૧, શારદા ગર્લ્સ સ્કૂલ, એન. વી. તંવર હિન્દી હાઇસ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, કાંકરિયા ગુજરાતી શાળા નંબર ૮, દેવળિયાપરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી વિશેષ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’, ‘મારો મત, મારી તાકાત’ અને ‘મારો મત, લોકશાહીનો આધાર’ જેવા વિષયો પર મતાધિકારના મૂલ્યને સુંદર રીતે કંડાર્યું હતું.

આ પ્રસંગે શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેના દ્વારા શિક્ષણ વિભાગે શાળાઓના માધ્યમથી ઘરે-ઘરે મતદાનનો પવિત્ર સંદેશ પહોંચાડી રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.