Western Times News

Gujarati News

ભારતે સીઓપી૩૩ની મેજબાનીનો પ્રસ્તાવ પાછો ખેંચતા તર્કવિતર્ક

નવી દિલ્હી, ભારતે વર્ષ ૨૦૨૮માં યોજાનારા યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન સીઓપી૩૩ની યજમાની કરવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે.

વૈશ્વિક સ્તરે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભારતે પોતે આ કાર્યક્રમ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી.વર્ષ ૨૦૨૩માં દુબઈ ખાતે યોજાયેલ સીઓપી૨૮ દરમિયાન પીએમ મોદીએ પોતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારત ૨૦૨૮માં સીઓપી૩૩ની યજમાની કરવા ઈચ્છે છે.

તે સમયે પીએમ મોદીએ આબોહવા પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં ભારતની વધતી જતી ભૂમિકા અને નેતૃત્વને રેખાંકિત કર્યું હતું. જોકે, હવે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવાની જાણ કરી દીધી છે, પરંતુ આ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.પર્યાવરણ મંત્રાલયે આ બાબતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નોંધનીય છે કે ભારત આ આયોજન માટે ખૂબ જ ગંભીર હતું અને જુલાઈ ૨૦૨૫માં મંત્રાલય દ્વારા ખાસ ‘સીઓપી૩૩ સેલ’ની રચના પણ કરવામાં આવી હતી, જેથી વર્ષ ૨૦૨૮ના શિખર સંમેલન માટે તમામ સાધન-સામગ્રી અને વ્યૂહનીતિ તૈયાર કરી શકાય.

સીઓપી એટલે કે ‘કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ’ એ સંયુક્ત રાષ્ટ્ર હેઠળ યોજાતું વિશ્વનું સૌથી મોટું વાર્ષિક સંમેલન છે. આ મંચ પર વિશ્વના દેશો ભેગા મળીને આબોહવા પરિવર્તન સામે લડવા માટેના લક્ષ્યાંકો અને નીતિઓ પર ચર્ચા કરે છે. સામાન્ય રીતે આ સંમેલન વિવિધ પ્રાદેશિક જૂથો વચ્ચે વારાફરતી યોજાય છે.

હવે પછીનું સીઓપી૩૧ સંમેલન તૂર્કિયે અને ઓસ્ટ્રેલિયા સંયુક્ત રીતે યોજશે, જ્યારે તે પછીનું સંમેલન ઈથિયોપિયામાં યોજાનાર છે. આવા સમયે ભારતનું પાછળ હટવું એ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.