Western Times News

Gujarati News

ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની આગામી ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આર્યસમાજ રોડને પહોળો કરવાના મ્યુનિસિપલ કોર્પાેરેશનના નિર્ણયને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ ૧,૦૦૦ જેટલા મકાનો કપાતમાં જવાની શક્યતા છે, જેને લઈને રહીશો હવે પાયમાલ થવાના ડરે વિરોધ કરી રહ્યા છે.આગામી ૨૬ એપ્રિલે મ્યુનિસિપલ કોર્પાેરેશનનું મતદાન યોજાવાનું છે.

આ મહત્વની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ કપાતનો મુદ્દો ઉછળતા સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. રહીશોનો આરોપ છે કે, તેઓ નગર પંચાયતના સમયથી અહીં વસવાટ કરે છે, અને હવે અચાનક તેમના ઘર છીનવવાની તૈયારી થઈ રહી છે.કોર્પાેરેશન દ્વારા આર્યસમાજ રોડ પર ત્રણ મહિના પહેલા જ સીમાંકનની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે.

રેલવે અને કોર્પાેરેશનની સંયુક્ત કામગીરીમાં ટી.પી. સ્કીમ બન્યા બાદ આ વિસ્તારમાં રોડ પહોળો કરવા માટે રેલવે અને એએમસી બંને દ્વારા નિશાન લગાવવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે, જો વર્ષાે જૂના મકાનો કપાતમાં જશે તો અમે ક્યાં જઈશું? રહીશોએ હવે માગ કરી છે કે, કાં તો કપાત ઓછી કરવામાં આવે અથવા તેમને વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.આ મામલે પૂર્વ કોર્પાેરેટરે પણ દરમિયાનગીરી કરી છે.

તેમણે જણાવ્યું કે, વર્ષાેથી રહેતા લોકોના ઘર બચાવવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. રોડની પહોળાઈમાં એવી રીતે ફેરફાર કરવામાં આવે જેથી ઓછામાં ઓછી કપાત આવે અને સામાન્ય લોકોના ઘર બચી શકે. અત્યારે તો ચાંદલોડિયાના આર્યસમાજ રોડ પરના આ ૧,૦૦૦ મકાનોનો મુદ્દો આગામી ચૂંટણીમાં મોટો નિર્ણાયક પરિબળ સાબિત થાય તેમ લાગી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.