ડમ્પિંગ સાઈટ પર આગથી હવાનું પ્રદૂષણ ફેલાતા સુરત મનપાને GPCBની નોટિસ
ખજોદ ડમ્પિંગ સાઈટ પર આગ ભભૂકી ઉઠી હતી જેમાં અંદાજે ૧૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ ફેલાઈ ગઈ હતી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનો ભંગ કરતા કાર્યવાહી કરાઈ
સુરત, ખજોદ સ્થિત મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ અને સતત થઈ રહેલા પર્યાવરણ પ્રદુષણ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા સુરત મહાનગરપાલિકાને કડક નોટિસ ફટકારવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ- ૧૯૮૬ હેઠળ જારી આ નોટિસમાં અનેક ગંભીર ઉલ્લંઘનોનો ઉલ્લેખ કરી તાત્કાલિક પગલા ભરવા આદેશ આપવામાં આવ્યો છે.
ર૪ માર્ચ ર૦ર૬ના રોજ ખજોદ ડમ્પિંગ સાઈટ પર આગ ભભૂકી ઉઠી હતી જેમાં અંદાજે ૧૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ ફેલાઈ ગઈ હતી. પવનના કારણે આગ વધુ ફેલાતી જોઈ ર૭ માર્ચ સુધીમાં આશરે ર૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તાર સુધી પ્રસરી ગઈ હતી. આ આગમાં પ્લાસ્ટિક સહિતના ઘન કચરાના દહનથી ભારે ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારમાં હવા પ્રદુષિત થઈ ગઈ હતી.
ર૮ માર્ચે જીપીસીબીના અધિકારીઓએ દિપલી ગામ ખાતે નિરીક્ષણ દરમિયાન નોંધ્યું કે ખજોદ સાઈટ પરથી નીકળતો ધુમાડો ગામ તરફ વળી રહ્યો હતો. ગામમાં સફેદ ધુમાડો અને બળતા કચરાની દુર્ગંધ સ્પષ્ટ અનુભવી હતી, જેના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર અસર થવાની ભીતિ ઉભી થઈ છે.
જીપીસીબીએ ચેતવણી આપી છે કે ૧પ દિવસમાં જવાબ નહીં આપવામાં આવે તો એકતરફી નિર્ણય લઈને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલો સુરત શહેરમાં કચરા વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે અને આવનારા સમયમાં એસએમસી સામે વધુ કડક પગલાં લેવાય તેવી શકયતા વ્યકત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે જીપીસીબી દ્વારા ર૩ ડિસેમ્બર ર૦રપ, ૭ જાન્યુઆરી ર૦ર૬ અને ૩ ફેબ્રુઆરી ર૦ર૬ના રોજ પણ નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ એસએમસી દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા ફરીથી કડક પગલાં લેવા સ્થિતિ ઉભી થઈ છે.
જીપીસીબીએ અત્યાર સુધી ૩ નોટિસ આ મામલે ફટકારવામાં આવી છે. છતાં કયા રાજકારણીના આશિર્વાદથી બેફામ આ કોન્ટ્રાકટર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે અને તેની સામે કોઈ કાર્યવાહી થઈ શકી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.
