Western Times News

Gujarati News

આમોદ ધર્મ પરિવર્તન કેસ: બે મૌલવીની ડિસ્ચાર્જ અરજી હાઈકોર્ટે નામંજૂર કરી

ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ હેઠળ ટ્રાયલ ચલાવવા આદેશ: લાલચ આપી ૧૦૦ હિન્દુઓનું ધર્માંતરણ કરાવ્યાનો આરોપ

(એજન્સી) અમદાવાદ, નર્મદા જિલ્લાના આમોદ તાલુકામાં અંદાજે ૩૭ આદિવાસી પરિવારોના ૧૦૦ જેટલા હિન્દુઓને કથિત રીતે લાલચ આપી ઈસ્લામમાં ધર્માંતરણ કરાવવાના ગંભીર આરોપમાં સંડોવાયેલા બે મૌલવીઓને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગીતા ગોપીની ખંડપીઠે કોઈપણ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.

હાઈકોર્ટની ખંડપીઠે આ મામલે જણાવ્યું હતું કે, રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો જોતા આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે તેથી તેમને આ તબકકે નિર્દોષ જાહેર કરી શકાય નહી. હાઈકોર્ટે આ કેસના આરોપી મૌલવીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે.

આરોપી મૌલવીઓ સરફરાઝ ઉર્ફે જાવેદ મુફતી સલીમ હસન ખિલજી અને રમીઝ ખિલજી સહિતના ઈસમો સામે વર્ષ ર૦૦૬થી આ વિસ્તારમાં સક્રિય રહીને લોકોને વિવિધ લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ માત્ર ધર્મ પરિવર્તનનો મામલો નથી પરંતુ તેની પાછળ એક મોટું ષડયંત્ર છુપાયેલું છે.

તપાસમાં બહાર આવ્યું છે કે ગરીબ આદિવાસીઓને કપડાં, દવાઓ અને રોકડ રકમની લાલચ આપવામાં આવતી હતી. આરોપીઓના વકીલે એવી દલીલ કરી હતી કે તેમના અસીલો માત્ર મૌલવી તરીકે તેમની ધાર્મિક ફરજ બજાવી રહ્યા હતા અને ઈસ્લામનો પ્રચાર કરવો એ તેમનો મૂળભૂત અધિકાર છે. જોકે હાઈકોર્ટે આ દલીલોને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે ‘ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ’ હેઠળ લાલચ આપીને કરાવવામાં આવતું ધર્માંતરણ ગુનો બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.