Western Times News

Gujarati News

દહેગામના સાપા ગામે પાણીની સમસ્યા નહીં ઉકલે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

બે મહિનાથી પાણી માટે તરસતા ગ્રામજનો, વાસ્મોની લાઈનમાં ૧૦૦થી વધુ લીકેજનો આક્ષેપ

દહેગામ, દહેગામ તાલુકાના કાલીપુરા તાબે સાપા ગામમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. એક બાજુ ચૂંટણીના બ્યુગલ ફુંકાઈ ચૂકયા છે ત્યારે બીજી બાજુ ગામના લોકો પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે,

જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષ સર્જાયો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે.

ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત દહેગામ તથા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ‘જળ જીવન મિશન’ યોજના હેઠળ વાસ્મો દ્વારા શોભાથી કાલીપુરા સુધી પાઈપલાઈન નાખવામાં આવી હતી, પરંતુ આ પાઈપલાઈનમાં અંદાજે ૧૦૦થી ૧પ૦ જેટલા લીકેજ હોવાના કારણે પાણી ગામ સુધી યોગ્ય રીતે પહોંચતું નથી.

પરિણામે, ગરમીના સમયમાં સ્થિતિ વધુ વિકટ બની છે. મહિલાઓને વહેલી સવારે અને સાંજે દૂર દૂર સુધી જઈને પાણી લાવવું પડે છે. જેના કારણે ગ્રામ્ય જીવન પર નકારાત્મક અસર પડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ આ સમસ્યા અંગે અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરી છે, છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ચૂંટણીના સમયમાં આવી સમસ્યા ઉકેલવામાં નિષ્ફળતા તંત્ર માટે પડકારરૂપ બની રહી છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે. સાથે સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.