Western Times News

Gujarati News

ગાંધીનગર જિલ્લાની આ બેઠકના આયાતી ઉમેદવાર સામે BJPમાં વિરોધ

કલોલ પંચાયત અને પાંચ સરપંચ તેમજ સભ્યનો પ્રદેશ પ્રમુખને પત્ર

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા પંચાયતની પલિયડ બેઠક ઉપર મુળ કોંગ્રેસના આયાતી ઉમેદવાર પટેલ નીતિનભાઈ નારણદાસ સામે ભાજપમાં વિરોધનો વંટોળ ફૂકાયો છે.

કલોલ તાલુકા પંચાયત અને પ ગામના સરપંચ તેમજ સભ્ય સહિત સેંકડો કાર્યકરો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ મોવડીઓને પત્ર લખી આયાતી ઉમેદવારોની પસંદગી સામે વિરોધ ઉઠાવી નારાજગી વ્યકત કરી છે. જો પાયાના કાર્યકરોની લાગણીનો અનાદર કરવામાં આવશે તો પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થશે તેવી પણ ચીમકી પણ આપવામાં આવી છે.

કલોલ તાલુકા પંચાયતના સભ્ય કનુજી ચાવડા, ગોવિંદપુરા (વેડા), ખોરજ ડાભી, વેડા ગામ, મોખાસણ ગામ અને નવા ગામ સહિત અન્ય ગામના સરપંચો અને સભ્યોએ પ્રદેશ ભાજપ પ્રમુખ, કલોલના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને કલોલ તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોવડી મંડળને ઉદેશીને પત્રો લખ્યા છે.

તેમાં જણાવાયુ છે કે તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં જોડાઈ ને તાલુકા પંચાયત સદસ્યની ટિકિટની માગણી કરનાર પટેલ નીતિનભાઈ નારણદાસ સામે પાયાના કાર્યકરોમાં ઘણો અસંતોષ પ્રવર્તે છે.

૯ માસ અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના પત્નીએ ઉમેદવારી કરી હતી અને તેમાં તેમની કારમી હાર થઈ હતી. તો તેમને ટિકિટ આપવામાં ન આવે તેવી ભાજપના પાયાના કાર્યકરની માંગણી છે. ભાજપના જૂના કાર્યકરોની કામગીરીને બીરદાવી તેમાંથી કોઈપણ કાર્યકરને ઉમેદવાર બનાવવા અમે અરજ કરીએ છીએ. વધુમાં જણાવાયું છે કે તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં ટિકિટ મેળવવા માટે ૧ એપ્રિલ ર૦ર૬ના રોજ જોડાયા છે.

જેથી તમામ કાર્યકરો જણાવીએ છીએ કે કેતનકુમાર અમરતભાઈ પટેલ પૂર્વ કોંગ્રેસ તાલુકા સદસ્ય હતા અને તેમના પત્ની ટવીન્કલબેન પટેલ પલીયડ તાલુકા પંચાયત સીટમાંથી ચૂંટણી હારી ગયેલા છે જેઓએ તેમના પત્નીના નામે જિલ્લા પંચાયત પલીયડ સીટની માંગણી કરાતા કાર્યકર્તાઓમાં રોષ પ્રવર્તે છે.

તેમજ પટેલ નીતિનભાઈ નારણદાસ પણ તેમની સાથે જ પક્ષમાં જોડાઈને પલીયડ તાલુકા પંચાયતની સીટની માંગણી કરતા તેમની સામે પાયાના કાર્યકરોમાં ઘણો અસંતોષ છે. ઉપરોકત બંને વ્યક્તિ કોંગ્રેસ પક્ષમાંથી ભાજપ પક્ષમાં ટિકિટ મેળવવા માટે આવ્યા હોવાથી તેમને ટિકિટ આપવામાં આવે તો અસંતોષ ભભૂકી ઉઠશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.