Western Times News

Gujarati News

NATO માટે અબજો ડોલર ખર્ચીએ છીએ અને તેઓ અમારા માટે હાજર નહોતાઃ ટ્રમ્પનો બળાપો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે હોર્મુઝ જળમાર્ગને બ્‍લોક કરવાની પોતાની ધમકી ફરી ઉચ્ચારી છે.

વોશિંગ્‍ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યું છે કે ઈરાન સાથેનો સીઝફાયર સારી રીતે ચાલી રહ્યો છે. તેમની સેનાને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવી છે, તેમની નૌસેના પાણીમાં ડૂબી ગઈ છે અને ૧૫૮ જહાજ નષ્ટ થઈ ગયાં છે.

તેમનાં ઘણાં માઇન ડ્રોપર્સ પણ નષ્ટ થઈ ગયાં છે. તેમણે આગળ કહ્યું હતું કે સોમવારે દસ વાગ્‍યે અમેરિકા હોર્મુઝ જળમાર્ગને બ્‍લોક કરવા જઈ રહ્યું છે. અન્‍ય દેશો પણ કામ કરી રહ્યા છે જેથી ઈરાન પોતાનું ઓઇલ વેચી ન શકે. તેમણે દાવો કર્યો હતો કે આ પગલું ખૂબ અસરકારક સાબિત થશે.

આ દરમિયાન ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઘણાં જહાજો હવે હોર્મુઝ તરફ જવાને બદલે અમેરિકા પાસેથી ઓઇલ ખરીદશે. થોડા સમયમાં હોર્મુઝની સમસ્‍યા ઉકેલી લેવાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમેરિકા પાસે રશિયા અને સાઉદી અરેબિયા પાસે મળીને જેટલું ઓઇલ છે, તેનાથી પણ વધુ ઓઇલ છે.

ઈરાન સાથે નિષ્‍ફળ થયેલી શાંતિ વાર્તા અંગે પુછાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોઈ શકે નહીં. એવું કોઈ માર્ગ નથી કે તેઓ પરમાણુ હથિયાર મેળવી શકે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અમે આ મુદ્દે સંપૂર્ણપણે સ્‍પષ્ટ છીએ કે ઈરાન પરમાણુ હથિયાર રાખી શકતું નથી.

આ દરમિયાન NATO અંગે નારાજગી વ્‍યક્‍ત કરતાં તેમણે કહ્યું હતું કે હું NATO થી ખૂબ નિરાશ છું. તેઓ અમારા માટે હાજર નહોતા. અમે NATO માટે અબજો ડોલર ખર્ચીએ છીએ અને તેઓ અમારા માટે હાજર નહોતા. હવે તેઓ આગળ આવવા માગે છે, પરંતુ હવે કોઈ વાસ્‍તવિક ખતરો જ બાકી રહ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.