મહિલા અનામત કાયદામાં સુધારો ૨૧મી સદીનો સૌથી મહત્વનો નિર્ણયઃ પીએમ
નવી દિલ્હી, મહિલા અનામત કાયદામાં સુધારા હાથ ધરીને ભારત ૨૧મી સદીનો સૌથી મહત્વનો નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
ત્રણ દિવસ માટે યોજાનારી સંસદની બેઠકમાં મહિલા અનામત કાયદામાં સુધારો કરી, ૨૦૨૯માં તેના અમલીકરણ માટેનો માર્ગ મોકળો થશે. આ સાથે જ લોકસભાથી લઈને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને સમાન ભાગીદારી પૂરી પાડવાનું દાયકાઓ જુનું સ્વપ્ન પૂર્ણ થશે તેમ તેમણે જણાવ્યું હતું. ૧૬ એપ્રિલથી શરૂ થનારી સંસદની ત્રણ દિવસીય વિશેષ બેઠક પહેલાં અહીં યોજાયેલાં નારી શક્તિ વંદન સંમેલનને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘નારી શક્તિ વંદન અધિનિયમ’માં સુધારો ભૂતકાળના સપનાઓને સાકાર કરશે અને ભવિષ્યના સંકલ્પોને પૂર્ણ કરશે.
શાસનમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની અનેક મહિલાઓ હવે મોટી ભૂમિકાઓ ભજવવા માટે તૈયાર અને ઉત્સુક છે.
આપણાં દેશની સંસદ એક નવો ઈતિહાસ રચવાની તૈયારીમાં છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં સામાજિક ન્યાય એ માત્ર એક સૂત્ર નથી બલ્કે, આપણી કાર્યસંસ્કૃતિ અને નિર્ણય પ્રક્રિયાનો સાહજિક હિસ્સો છે. ૨૦૨૩માં જ્યારે આ કાયદો રજૂ કરાયો ત્યારે તમામ પક્ષોએ એકમત થઈ તેને પસાર કર્યાે હતો, અને તમામે ખાસ કરીને વિપક્ષે ૨૦૨૯થી તેનો અમલ કરવાની માગ કરી હતી. ૨૦૨૩માં નવી સંસદમાં નારી શક્તિ વંદન કાયદો રજૂ કરીને અમે આ દિશામાં પ્રથમ પગલું ભર્યું હતું. ભારતની વિકાસ યાત્રાના આ મહત્વના સીમાચિહ્ન વચ્ચે ભારત નારી શક્તિને સમર્પિત, ૨૧મી સદીના સૌથી મહત્વના એક પૈકીનો નિર્ણય લેવાના આરે છે.
આ નિર્ણય આપણાં સમયના સૌથી મહત્વના નિર્ણય પૈકીનો એક બની રહેશે તેમ હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું. આ નિર્ણય મહિલાઓના સશક્તિકરણને સમર્પિત છે.અત્યાર સુધી પરંપરાગત રીતે હાંસિયામાં રહેલી મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થવાને લીધે પારિવારિક બાબતોમાં મહત્વ વધ્યું હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
આર્થિક ભાગીદારી વધારવા માટે દેશમાં મહિલાઓનું સશક્તિકરણ કરવું જરૂરી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, સરકાર તેના દરેક નિર્ણય અને યોજનામાં આ બાબતને કેન્દ્રમાં રાખે છે.
અગાઉ સંપત્તિમાં પુરુષોનું નામ જ પહેલાં લખાતું હતું. ઘર હોય, ખેતર હોય કે દુકાન હોય આ તમામ મિલ્કતો પુરુષના નામે જ લેવાતી હતી અને તેને લોકો સ્વાભાવિક ગણી સ્વીકારી લેતાં હતાં. જોકે પીએમ આવાસ યોજના હેઠળ અમે મહિલાઓના નામે ઘરની નોંધણી કરવાની શરૂઆત કરી તેમને સશક્ત બનાવવાની શરૂઆત કરી હતી.SS1MS
