Western Times News

Gujarati News

સરીગામના અપક્ષ ઉમેદવારનું ફોર્મ બન્યું આપઘાતનું કારણ?

ઉમરગામ, ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.

ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ આપઘાતને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે મોડી રાત્રે આ અંતિમ પગલું ભર્યું હતું. તેમણે ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

ચૂંટણીના માહોલમાં જ્યારે વહીવટી તંત્ર વ્યસ્ત છે, ત્યારે મામલતદાર જેવા જવાબદાર પદ પર રહેલા અધિકારીએ શા માટે આપઘાત કર્યાે તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.આ મામલે આરોપ લાગી રહ્યા છે કે, સરીગામ બેઠકના એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કોઈપણ સંજોગોમાં રદ કરવા માટે મામલતદાર પર ઉપરથી ભારે દબાણ લાવવામાં આવી રહ્યું હતું.

જોકે, કાયદાકીય રીતે ફોર્મ રદ થઈ શકે તેવા કોઈ જ નક્કર સંજોગો ન હોવાથી મામલતદારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી.મામલતદાર કચેરીના વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છને ધમકી આપવામાં આવતી હતી કે જો તે ફોર્મ રદ નહીં કરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા સ્વેચ્છિક નિવૃત્તિ લેવા મજબૂર કરવામાં આવશે.

તેણે આવી ધમકીઓને વશ થવાને બદલે અથવા અન્યાયી નિર્ણય લેવાને બદલે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.આ ઘટના બાદ તપાસની માંગ ઉગ્ર બની છે.

મામલતદાર પર દબાણ ઊભું કરનારા મોટા માથા કોણ હતા? તે જાણવા માટે મામલતદારના છેલ્લા ૪૮ કલાકના કોલ ડિટેલ્સ, વ્હોટ્‌સએપ કોલ ડિટેલ્સ તેમજ ચેટની તપાસ કરવી જરૂરી છે.હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.