Western Times News

Gujarati News

એલ.ડી. એન્જિનિયરિંગ હોસ્ટેલમાં ધાબાનો સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો, એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હોસ્ટેલના બિલ્ડિંગમાં ધાબાનો સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી કાટમાળ નીચે દબાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, હોસ્ટેલના બ્લોકમાં જ્યારે વિદ્યાર્થીઓ હાજર હતા, ત્યારે અચાનક છતનો એક ભાગ (સ્લેબ) ધડાકાભેર નીચે પડ્યો હતો અને જર્જરીત હાલતમાં આ સ્લેબના સળિયા દેખાઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. અન્ય વિદ્યાર્થીઓએ તુરંત જ એકઠા થઈને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે:

  • હોસ્ટેલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે.

  • અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવતું નથી.

  • વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકીને તેમને આ ખખડધજ ઓરડાઓમાં રહેવા મજબૂર કરવામાં આવે છે.

અમદાવાદની સૌથી જૂની અને જાણીતી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં આ પ્રકારની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાએ હોસ્ટેલના સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.