Western Times News

Gujarati News

ચૂંટણીમાં ૪ ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત

AI Image

(એજન્સી) અમદાવાદ, ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે એટલે કે ચાર ઉમેદવારને મત આપી શકશે. જો ચારથી ઓછા ઉમેદવારને મત આપવો હોય તો આપી શકાશે, પરંતુ મત આપ્યા બાદ રજિસ્ટરનું પીળું બટન દબાવવું ફરજિયાત છે.

ચૂંટણી પંચ દ્વારા મતદારોને વોટિંગમાં મુશ્કેલી ન પડે અને મતદાન પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે ચૂંટણી પહેલા ટ્રેનિંગો પણ ગોઠવાતી હોય છે અને આ સાથે મતદારોને પણ ધ્યાનમાં રાખવી જેવી માર્ગદર્શિકાઓ જાહેર કરાય છે. જે મુજબ આ વખતની કોર્પાેરેશન ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે.

દરેક વોર્ડમાં જુદા જુદા પક્ષના ચાર ઉમેદવારની પેનલ હોય છે, ત્યારે જો કોઈ વોર્ડમાં ૧૫થી ૨૦ ઉમેદવાર હોય તો તેમાંથી મતદાર કોઈપણ પક્ષના એક અન્ય પક્ષના એક એ રીતે જુદા જુદા ઉમેદવારને મત આપી શકશે અને ઉમેદવારે ૧થી લઈને ૪ સુધીની સંખ્યામાં મત આપી શકશે. મહત્તમ ચાર મત આપી શકાશે.

પરંતુ મતદારે મતદાન કર્યા બાદ ફરજિયાત પીળું બટન દબાવી મત રજિસ્ટર કરવો ફરજિયાત છે અને તો જ મત માન્ય ગણાશે. મતદારે આખી પેનલને વોટ આપવો ફરજિયાત નથી અને ચારમાંથી એક કે બે ઉમેદવારને મત આપ્યા બાદ નોટાનું બટન પણ દબાવી શકે છે. મતદારે ચૂંટણી કાર્ડ લાવવું હિતાવહ છે, પરંતુ જો ન હોય તો માન્ય કરેલા ૧૨ પુરાવામાંથી કોઈપણ પુરાવો સાથે લાવીને મતદાન કરી શકશે.

દરેક ઈવીએમમાં એક નોટાનું બટન અને ઉમેદવારોના નામની સામેના બટન સાથે કુલ ૧૫ બટન રહેશે. એટલે દરેક મતદાન મથકમાં ૨થી ૩ ઈવીએમ રાખવા પડી શકે છે.આ વખતે વીવીપેટ નહીં રહે અને મતદારને વોટિંગ કરવા માટે ૫૦થી ૬૦ સેકન્ડ મળશે.

દરેક મતદાન મથકમાં ૮૦૦ મતદારોની સંખ્યા નક્કી કરાયું છે અને તે મુજબ વોટિંગ બુથ ગોઠવાયા છે. મતદાર એક બટન દબાવશે કે તરત જ ઉમેદવારના નામ સામે લાલ લાઈટ થશે અને કુલ ૪ લાલ લાઈટ થાય ત્યાં સુધી અલગ અલગ ૪ ઉમેદવારો પસંદ કરવાના છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.