ટ્રેક નવીનીકરણ કાર્ય માટે લેવલ ક્રોસિંગ પીપલી–વરાહી પર 12 દિવસ માટે અસ્થાયી રૂપે બંધ રહેશે
પ્રતિકાત્મક
અમદાવાદ મંડળ અંતર્ગત રેલ સુરક્ષા અને આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને પીપલી–વરાહી ખાંડ પર રેલ કિમી 128/2-3 પર આવેલ લેવલ ક્રોસિંગ નંબર 111 પર ટ્રેક નવીનીકરણ કાર્ય હાથ ધરવામાં આવશે. આ કાર્યને કારણે માર્ગ વાહન વ્યવહારને તા. 18 એપ્રિલ, 2026ના સવારે 07:00 વાગ્યાથી તા. 29 એપ્રિલ, 2026ના રાત્રે 22:00 વાગ્યા સુધી (કુલ 12 દિવસ) માટે અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવશે.
યાત્રીઓ અને માર્ગ ઉપયોગકર્તાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન માર્ગ વાહન વ્યવહારને રેલ કિમી 130/7-8 પર આવેલ લેવલ ક્રોસિંગ નંબર 113 (પાલનપુર–સામાખ્યાલી રેલ ખંડ) મારફતે ડાયવર્ટ કરવામાં આવશે.
ટ્રેક નવીનીકરણ કાર્ય પૂર્ણ થવાથી રેલ સુરક્ષામાં વધારો થશે, અકસ્માતોની સંભાવના ઘટશે તેમજ ટ્રેનોનું સંચાલન વધુ સુવ્યવસ્થિત અને સમયસર થઈ શકશે. ઉપરાંત ટ્રેકની ગુણવત્તામાં સુધારાથી જાળવણીની જરૂરિયાત ઘટશે અને યાત્રીઓ તેમજ માર્ગ ઉપયોગકર્તાઓને વધુ સુરક્ષિત અને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે.
રેલવે પ્રશાસન દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ દર્શાવેલ સમયગાળા દરમિયાન નિર્ધારિત વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે અને સહકાર આપે, જેથી કાર્ય સુચારુ રીતે પૂર્ણ થઈ શકે અને કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.
