માત્ર ઉચ્ચ ડિગ્રી સરકારી નોકરી માટેની લાયકાત નથી: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સરકારી નોકરી માટે માત્ર ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી હોવી પૂરતી નથી તેવી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો ઉમેદવાર ભરતીના નિયમો મુજબ જરૂરી અનુભવ ના ધરાવતો હોય તો તે નોકરી માટે લાયક ગણાશે નહીં.
જસ્ટિસ જે. કે. માહેશ્વરી અને જસ્ટિસ એ. એસ. ચંદુરકરની બેન્ચે હિમાચલ પ્રદેશ સ્કૂલ શિક્ષણ બોર્ડ દ્વારા કમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયરની પોસ્ટ માટે અપનાવવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં ખામીની નોંધ લેતાં સ્પષ્ટ કર્યું હતું કે, જો કોઈ વ્યક્તિ પાસે પાયાની જરૂરી લાયકાત કે અનુભવ ન હોય, તો તેને માત્ર મોટી ડિગ્રી કે મેરિટમાં ઊંચા માર્કસ હોવાને કારણે નોકરી આપી શકાય નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે, ભરતીના નક્કી કરેલા નિયમોને બદલીને પોતાની મરજી મુજબની લાયકાતને મહત્વ આપવું એ કાયદા વિરુદ્ધ છે. કોર્ટે નોંધ્યું હતું કે, જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી, તેની પાસે અરજી કરતી વખતે માત્ર એક જ વર્ષનો અનુભવ હતો. આમ, તે નોકરી માટેના જરૂરી નિયમો પૂર્ણ કરતો ન હોવા છતાં તેની પસંદગી કરવી એ અયોગ્ય હતું.SS1MS
