Western Times News

Gujarati News

ઈરાન યુદ્ધથી આર્થિક લાભ મેળવવાની પાકિસ્તાનની આશા ઠગારી નિવડી

નવી દિલ્હી, લાલો લાભ વગર ના લોટે..એ કહેવત પાકિસ્તાનને બરોબર બંધ બેસે છે. આજથી આશરે ચાર દાયકા અગાઉ સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર કરેલાં આક્રમણ દરમિયાન સોવિયેત સેના સામે લડવા અમેરિકાને પોતાના પ્રદેશો આપી પાકિસ્તાને અમેરિકા પાસેથી જંગી આર્થિક સહાય મેળવી હતી.

હાલમાં ચાલી રહેલાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિદૂતની ભૂમિકા ભજવી રહેલા અને લગભગ નાદારીની અવસ્થામાં પહોંચેલાં પાકિસ્તાનને આ વખતે પણ આવી જ ખેરાતની આશા હતી. જોકે આ વખતે તેને આવો કોઈ લાભ નહીં થતાં પાકિસ્તાની પ્રજામાં શરીફ સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ જોવાઈ રહ્યો છે.

૨૪ ડિસેમ્બર, ૧૯૭૯માં શરૂ થયેલાં સોવિયેત-અફઘાન યુદ્ધ વખતે અમેરિકાએ પાકિસ્તાનને પહેલાં ૪૦૦ મિલિયન ડોલરની ઓફર કરી હતી. જોકે તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝીયા-ઉલ-હકે તેને અત્યંત નજીવી રકમ ગણાવી તે લેવાનો ઈનકાર કર્યાે હતો. ત્યારબાદ ૧૯૮૧માં બંને દેશો છ વર્ષ માટે ૩.૨ અબજ ડોલરની સૈન્ય અને આર્થિક સહાય માટે સહમત થયાં હતાં.

૧૯૮૮-૯૩ના બીજા તબક્કા દરમિયાન બંને દેશો વચ્ચે ૪-૪.૨ અબજ ડોલરના સહાય પેકેજ અંગે સમજૂતી થઈ હતી. આ દરમિયાન સાઉદી અરેબિયાએ પણ ૬-૮ અબજ ડોલરની તથા સંયુક્ત રાષ્ટ્રે અફઘાન શરણાર્થીઓ માટે ૩-૫ અબજ ડોલરની સહાય પૂરી પાડી હતી. વિશ્વ બેન્કે તથા આઈએમએફે પણ પાકિસ્તાનને નીચા દરે ધિરાણ આપવા ઉપરાંત વિવિધ પ્રોગામમાં સહાય પૂરી પાડી હતી.

આમ ૮૦ના દાયકા દરમિયાન પાકિસ્તાનને વિવિધ સ્વરૂપે આશરે ૨૦-૨૭ અબજ ડોલર જેટલી સહાય મળી હતી. વર્તમાન સમય મુજબ આ સહાયનું મૂલ્ય આશરે ૬૦-૮૫ અબજ ડોલર જેટલું થાય છે. કરાચી સ્થિત ડો. ફારૂખ સલીમ નામના નિષ્ણાતના જણાવ્યાં અનુસાર, પાકિસ્તાનને મળેલી આ સહાય કંઈ ખેરાત નહોતી.

પાકિસ્તાને તેના પ્રદેશોના ઉપયોગ બદલ મળેલી કિંમત હતી. અમેરિકામાં થયેલાં ૯/૧૧ના ત્રાસવાદી હુમલાં પછી પણ વોશિંગ્ટને પાકિસ્તાનને ૬૦૦ મિલિયન ડોલરની સહાય કરી હતી. અમેરિકન સંસદે પાકિસ્તાન માટેના ૩ અબજ ડોલરના પાંચ વર્ષ માટેના પેકેજને મંજૂરી આપી હતી. પરવેઝ મુશર્રફના શાસન દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનને ૧૩ અબજ ડોલરની સૈન્ય અને આર્થિક સહાય કરી હતી.

હવે ૨૦૨૬માં પાકિસ્તાન કેન્દ્ર સ્થાને પાછું ફર્યું છે. વિશ્વભરના નેતાઓ શાંતિ વાર્તા માટે ઈસ્લામાબાદ આવી રહ્યાં છે. જોકે આ વખતે પાકિસ્તાનને તેના પ્રદેશોના ઉપયોગ બદલ કોઈ રોકડ કે સહાય નથી મળી. બલ્કે આ વખતે પાકિસ્તાની સરહદે થયેલાં યુદ્ધથી દેશને ૫.૭ અબજ ડોલરનું નુકસાન થયું છે. ટૂંકમાં પ્રથમ બે યુદ્ધ વખતે પાકિસ્તાનને અબજો ડોલરનો ફાયદો થયો હતો, જ્યારે ત્રીજા યુદ્ધને પગલે, પહેલેથી જ કંગાળ બનેલાં પાકિસ્તાનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.