Western Times News

Gujarati News

અમીન પી. જે. કે. પી વિદ્યાર્થી ભવનનો અમિત શાહ શિલાન્યાસ કરશે

અમદાવાદ: દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ તેમની ગુજરાતની મુલાકાત દરમ્યાન આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ મંગળવારે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા એલિસબ્રિજ ખાતે આવેલી જાણીતી અમીન પી.જે.કે.પી વિદ્યાર્થી ભવનનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મેહસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રેહનાર છે.


આ અદ્યતન સંકુલ જૂન-૨૦૨૧ થી કાર્યરત થઇ જશે તે માટેના તમામ પ્રયાસો હાલ પૂરજાશમાં ચાલી રહ્યા છે. સમાજ સેવાથી રાષ્ટ્ર સમર્પિત ૧૯૩૨ થી કાર્યરત જાણીતી ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા કે.પી.વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં ૧૮૦૦ દીકરા-દીકરીઓને રહેવા, અભ્યાસ કરવા માટે એસી રૂમો(અટેચ બાથરૂમ), લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ , ટ્રેનીંગ સેન્ટર, સહીતની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે.

આ નવુ અદ્યતન બહુમાળી સંકુલ નવ માળનું રહેશે. આ સંકુલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે રહેવા માટે અલગ અલગ બ્લોક રહેશે એમ અમીન પી.જે.કે.પી. વિદ્યાર્થી કેમ્પસના પ્રમુખ શ્રી સતીશ ભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સને ૧૯૩૨ માં દાતા શ્રી રામચંદ્રભાઈ જમનાદાસ અમીનના દાનથી ખરીદાયેલ અમદાવાદ એલિસબ્રિજ વિસ્તારની જમીન પર પોતાના ભાઈ અમીન પરસોતમભાઈ જમનાદાસના નામકરણ સાથે અમદાવાદમાં એલિસબ્રિજ ગુલબાઇ ટેકરા પાસે કે.પી.વિદ્યાર્થી ભવનની શરૂઆત થઇ હતી.

જેમાં ગુજરાતના પનોતા પુત્ર અને લોખંડી પુરૂષની નામના ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલે સંસ્થામાં રહીને ભારતની આઝાદીની ચળવળ ચલાવેલી તેવી આ ઐતિહાસિક સંસ્થાને નવો અવતાર આપવા વિઝન-૨૦૨૦ પ્રોજેક્ટ અંતર્ગત જૂની ઇમારતની જગ્યાએ નવી આધુનિક સગવડો સાથેનું બહુમાળી બિલ્ડીંગ બનાવવાનું નક્કી કરાયું હતું અને આ નવા અદ્યતન સંકુલને જૂન-૨૦૨૧માં કાર્યરત કરી દેવાના પ્રયાસો પૂરજાશમાં ચાલી રહ્યા છે.

પી.જે.કે.પી. વિદ્યાર્થી કેમ્પસના પ્રમુખ શ્રી સતીશ ભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાંથી વધુ અભ્યાસ માટે આવતા સર્વ ધર્મના વિદ્યાર્થી દીકરા-દીકરીઓના જીવન ઘડતર માટે આ ભવન એક આદર્શ રૂપ બનશે. આ સંસ્થામાંથી ૩૫૦૦૦ થી વધુ સર્વ ધર્મના વિદ્યાર્થીઓ જેમાં રાજકીય મહાનુભાવો, મોટા ઓદ્યોગિક ગૃહોના માલિકોએ પણ અહીં અભ્યાસ કરી ચૂકયા છે.

તાજેતરમાં ઊંઝા ખાતે યોજાયેલ ન ભૂતો ના ભવિષ્ય એવા જગત જનનીમાં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ દરમિયાન અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓને અમદાવાદ શહેરમાં ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધિ કરવાના ઉમદા સેવા કાર્યના પ્રણેતા તરીકે અમીન પી.જે.કે.પી. વિદ્યાર્થી ભવનના આદ્યસ્થાપક ભૂમિ દાતા રામચંદ્ર જમનાદાસ અમીનને મરણોત્તર અવોર્ડ એનાયત કરીને નવાજવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.