Western Times News

Gujarati News

સુધારાના નામે ધર્મને ખોખલો કરી શકાય નહીં: સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી, સબરીમાલા સંદર્ભ કેસમાં સુપ્રીમ કોર્ટની ૯ જજોની બંધારણીય બેન્ચે સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે સુધારણાના નામે ધર્મને ‘ખોખલો’ કે સમાપ્ત ન કરી શકાય અને આસ્થાના વિષયોને ન્યાયિક ચર્ચાનો મુદ્દો બનાવી શકાય નહીં.

સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ ઇન્દિરા જયસિંઘે દલીલ કરી હતી કે બંધારણના કલમ ૨૫(૧) હેઠળ વ્યક્તિની ધાર્મિક સ્વતંત્રતા, કલમ ૨૬ હેઠળના ધાર્મિક સંપ્રદાયોના અધિકારો કરતાં ચઢિયાતી છે. અદાલતો ધાર્મિક બાબતોથી સંપૂર્ણપણે દૂર રહી શકે નહીં, કારણ કે ન્યાયિક સમીક્ષા બંધારણની મૂળભૂત વિશેષતા છે.

ધર્મ સમય સાથે બદલાય છે અને તે સ્થિર નથી.આ દલીલો પર જસ્ટિસ બી.વી. નાગરત્નાએ ટિપ્પણી કરી કે, ‘‘સુધારાના નામે ધર્મને ખોખલો ન કરો. સદીઓથી ચાલી આવતી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓને આમને આમ ખોલી શકાય નહીં. કલમ ૨૫(૨)(બી) રાજ્યને સામાજિક સુધારા માટે કાયદો બનાવવાની છૂટ આપે છે, પરંતુ તે પોતે કોઈ મૂળભૂત અધિકાર નથી.’’જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ સુંદરેશે પણ ન્યાયિક હસ્તક્ષેપની મર્યાદાઓ પર ભાર મૂક્યો હતો.

જસ્ટિસ અમાનુલ્લાહે સવાલ ઉઠાવ્યો કે જ્યારે એક જ ધર્મમાં અલગ-અલગ અર્થઘટન હોય, ત્યારે કોર્ટ સાચું અર્થઘટન કેવી રીતે નક્કી કરી શકે? જો અદાલતો ધર્મશાસ્ત્રીની ભૂમિકા ભજવવા લાગે તો બંધારણીય સુરક્ષા ‘માયાવી’ બની જશે.જયસિંઘે મહિલાઓના મંદિર પ્રવેશના અધિકાર પર ભાર મૂકતા કહ્યું કે આ માત્ર ઈચ્છા નથી પણ સ્વતંત્રતાનો પ્રશ્ન છે. જોકે, જસ્ટિસ નાગરત્નાએ ચેતવણી આપી કે જો દરેક વ્યક્તિ પોતાની માન્યતાઓ મુજબ વર્તે તો અરાજકતા ફેલાઈ શકે છે.

અંતરાત્મા અને આસ્થાના મુદ્દાઓ પર બિનસાંપ્રદાયિક અદાલતમાં ચર્ચા થઈ શકે નહીં. આ મામલે વધુ સુનાવણી ચાલુ રહેશે.સુનાવણીના અંતિમ તબક્કામાં કોર્ટે ‘આવશ્યક ધાર્મિક પ્રથા’ના પરીક્ષણ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ પારડીવાલાએ નોંધ્યું કે આ સિદ્ધાંત લાગુ કરતી વખતે અદાલતોએ અત્યંત સાવધ રહેવું જોઈએ, જેથી ન્યાયતંત્ર ધર્મના મૂળભૂત માળખામાં અયોગ્ય દખલ ન કરે.

જયસિંઘે દાવો કર્યાે હતો કે સબરીમાલામાં ૧૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ કોઈ નક્કર ધાર્મિક આધાર ધરાવતો નથી, જ્યારે બેન્ચે સામે પક્ષે એવો સવાલ પણ કર્યાે કે શું કોઈ સ્થળ પર જઈને ત્યાંના શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવી એ ખરેખર ‘શ્રદ્ધા’ કહી શકાય? આ બંધારણીય સવાલો સાથે હવે આ મામલે વધુ સુનાવણી આગળ ધપાવવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.