ઈંધણમાં ઈથેનોલ-બાયોડિઝલનું પ્રમાણ વધારવા કેન્દ્રની વિચારણા
નવી દિલ્હી, સરકારે ઓટોમોટિવ ફ્યુલ્સની વ્યાખ્યાનો વ્યાપ વધારવા અને ઈંધણમાં ઈથેનોલ-બાયોડિઝલના મિશ્રણનું પ્રમાણ વધારવા વિચારણા હાથ ધરી છે. દેશમાં પ્રદૂષણ મુક્તિ અને ઈંધણ વૈવિધ્યને ધ્યાને રાખી કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ ડ્રાફ્ટમાં સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ, ૧૯૮૯માં સુધારા લાવી ઈથેનોલના મિશ્રણને ૧૦૦ ટકા સુધી અને ૮૫ ટકા (ઈ૮૫) સુધી લઈ જવાની જોગવાઈ છે. ઈંધણમાં બાયોડિઝલના મિશ્રણને ૧૦૦ ટકા સુધી લઈ જવાની વિચારણા છે. નોટિફિકેશનમાં હાઈડ્રોજન-સીએનજીને હાઈડ્રોજન સીએન તરીકે ઓળખવા અને એમિશન ટેબલમાં તકનીકી સુધારા કરાયા છે.
એપ્રિલ, ૨૦૨૩ પછી મેન્યુફેક્ચર થયેલા વાહનોમાં ઈ૨૦ ફ્યુઅલના ધોરણો લાગુ પડે છે, જેના કારણે તેઓ ઈંધણમાં ૨૦ ટકા સુધી ઈથેનોલ ભેળવ્યું હોય તો પણ ચાલી શકે છે. આ કામગીરી માટે વાહનોના એન્જિનમાં ફેરફાર કરાયા છે. સરકારે અન્ય ફેરફાર તરીકે વાહનો માટેના ગ્રોસ વજનને ૩,૦૦૦ કિલોથી વધારને ૩,૫૦૦ કિલો કરવાનું વિચાર્યું છે.
કેન્દ્ર સરકારે આ ડ્રાફ્ટ નોટિફિકેશનને જાહેરજનતા સમક્ષ રજૂ કર્યું છે અને સુધારા લાગુ કરવા સંદર્ભે ૩૦ દિવસમાં વાંધા-સૂચન મંગાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પેટ્રોલ-ડિઝલ જેવા અશ્મિગત ઈંધણો પરની નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ મુક્ત ઈંધણને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારે આ કવાયત હાથ ધરી છે.SS1MS
