ચૂંટાયા બાદ જનતા માટે દરરોજ બે કલાક ફાળવો: મોરબીમાં BJPનો અભિવાદન સમારોહ
નવનિયુક્ત ૧૭૮ સભ્યનું જિલ્લા ભાજપ દ્વારા સન્માન
મોરબી, મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાના ૧૭૮ નવનિયુકત ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
જેમાં પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું કે પ્રજાએ આપણા પર વિશ્વાસ મુકી સત્તા વિકાસના કામ કરવા આપી છે, એ ધ્યાન રાખજો. પાંચ વર્ષ પ્રજાના કામ કરીને દિલમાં રાજ કરો અને પ્રતિષ્ઠા મેળવો. પ્રજા આપણી પાસે આવે એ પહેલાં તમે પ્રજાની વચ્ચે જાવ, દરરોજ તમારી બે કલાક પ્રજાને આપો.
સાંસદ ચંદુભાઈ શિહોરાએ જીતેલા ઉમેદવારોને અભિનંદન આપી જણાવ્યું કે આ ચૂંટણીમાં ભાજપ ને સફળતા મળી છે, સાથે આમ આદમી પાર્ટી પણ સારા મત સાથે પંચાયતમાં અમુક બેઠક પણ મેળવી ગઈ છે. જે ભવિષ્યમાં ખતરારૂપ પણ બને, એટલે આપણે હવે પ્રજાના કામ કરવા લાગી જાવ. મોરબી જિલ્લા પ્રભારી ગજેન્દ્ર સકસેનાએ પણ આપના પગપેસારા સામે ચેતી જવા હાકલ કરી હતી.
રાજયસભા સાંસદ કેસરીદેવસિંહજી, પૂર્વ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, હંસાબેન પારઘી, પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારિયા વગેરે હાજર હતા. સંચાલન અરવિંદભાઈ વાસદળીયાએ કર્યું હતું.
