હવાઈ ભાડામાં આસમાની વધઘટ અંગે કેન્દ્ર સુપ્રીમમાં સોગંદનામુ રજૂ કરી શકતી નથી
નવી દિલ્હી, હવાઈ મુસાફરીના ભાડા તથા અન્ય સવલતોમાં અતિશય વધ-ઘટને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ પોતાનું આ વલણ ઉચિત ઠેરવવામાં સરકાર અગમ્ય કારણોસર વિલંબ કરી રહી છે.
હવાઈ ભાડામાં વધ-ઘટ અયોગ્ય શા માટે છે? તેવું જણાવતું સોગંદનામુ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપેલા છે. અગાઉ ત્રણ મુદતમાં કેન્દ્ર સરકારે સોગંદનામુ રજૂ કર્યું ન હતું. તાજેતરમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોગંદનામા અંગે પૃચ્છા કરતાં સરકાર તરફથી વધુ ત્રણ અઠવાડિયાનો સમય માગવામાં આવ્યો છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે કેન્દ્ર સરકારના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સોગંદનામુ રજૂ કરવા માટે વધુ સમય માગવાના કારણો પણ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. સામાજિક કાર્યકર એસ લક્ષ્મીનારાયણની અરજી સંદર્ભે સુનાવણી દરમિયાન ગત વર્ષે ૧૭ નવેમ્બરે સર્વાેચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર તથા અન્યો પાસે પ્રતિભાવ માગ્યા હતા.
અરજીમાં હવાઈ ભાડામાં પારદર્શિતા તથા મુસાફરોના હિતના રક્ષણ માટે સ્વતંત્ર નિયામકની નિમણૂક માટે દાદ માગવામાં આવી હતી. ગુરુવારે અરજીની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી રજૂઆત થઈ હતી કે, કેન્દ્ર સરકારે હજુ જવાબ રજૂ કર્યાે નથી. કેન્દ્ર તરફથી જણાવાયું હતું કે, મધ્ય પૂર્વના દેશોમાં વર્તમાન સ્થિતિના કારણે વિલંબ થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રના વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરતાં પૂછ્યુ હતું કે, આ શું થઈ રહ્યું છે? સોગંદનામુ રજૂ કરતા સરકારને કઈ બાબત અટકાવે છે. કેન્દ્ર સરકાર આ મામલે નિયમો ઘડવા વિચારી રહી હોવાની રજૂઆત થઈ હતી, પરંતુ સુપ્રીમે સોગંદનામા સાથે હકીકતો રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.
સોગંદનામામાં સરકારના વલણ અંગે સ્પષ્ટતા કરવા ત્રણ અઠવાડિયાનો સમય માગવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. તથા સોગંદનામા સાથે વિલંબના કારણો રજૂ કરવા કેન્દ્રને સૂચના આપી હતી.SS1MS
