પશ્ચિમ બંગાળ: પ્રથમ ત્રણ કલાક ગણતરી બાદ BJPના ઉમેદવારો મમતાના ઉમેદવારો કરતા ઘણી બેઠકો પર આગળ
આસામમાં 126 બેઠકોમાંથી 111 બેઠકોના વલણો જાહેર થયા છે -BJPએ 85 બેઠકો પર સરસાઈ મેળવી છે
પ.બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી TMCનો સફાયો નક્કી – 293 માંથી 100 ની આસપાસ બેઠકો મળે તેવી શક્યતા
કોલકાતા, 4 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સોમવારે યોજાયેલી મતગણતરીના પ્રથમ ત્રણ કલાક બાદ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારો સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ કરતા ઘણી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
સવારે 11:30 વાગ્યા સુધીમાં, ચૂંટણી પંચની વેબસાઇટ પર 293 વિધાનસભા બેઠકોમાંથી 232 બેઠકોના વલણો ઉપલબ્ધ થયા છે. આ સમયગાળા સુધીમાં, ભાજપના ઉમેદવારો 147 બેઠકો પર આગળ છે, ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ 82 બેઠકો પર, લેફ્ટ ફ્રન્ટ-ઓલ ઇન્ડિયા સેક્યુલર ફ્રન્ટ (AISF) એક બેઠક પર અને ભૂતપૂર્વ તૃણમૂલ ધારાસભ્ય હુમાયુ કબીર દ્વારા સ્થાપિત ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ (AJUP) એક બેઠક પર આગળ છે.
હુમાયુ કબીર પોતે લઘુમતી પ્રભુત્વ ધરાવતા મુર્શિદાબાદ જિલ્લાની રેજીનગર વિધાનસભા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. સવારે 11 વાગ્યા સુધીના વલણ મુજબ, દક્ષિણ કોલકાતાની હાઈ-પ્રોફાઈલ ભવાનીપુર બેઠક પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના શુભેન્દુ અધિકારી સામે નજીવા અંતરે પાછળ ચાલી રહ્યા છે.
પશ્ચિમ બંગાળ: કાંટાની ટક્કર
બંગાળની ૨૯૩ બેઠકોમાંથી ૨૮૦ બેઠકોના વલણો સામે આવ્યા છે. અહીં ભાજપ ૧૫૨ બેઠકો પર સરસાઈ મેળવીને આગળ ચાલી રહ્યું છે, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ૧૨૮ બેઠકો પર લીડ ધરાવે છે. બંગાળમાં સત્તા મેળવવા માટે બંને પક્ષો વચ્ચે રસાકસી જારી છે.
આસામ: ભાજપની એકતરફી જીત તરફ કૂચ
આસામની તમામ ૧૨૬ બેઠકોના વલણો આવી ગયા છે. ભાજપ ગઠબંધન ૯૮ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. તેની સામે કોંગ્રેસ ગઠબંધન માત્ર ૨૬ બેઠકો પર સમેટાઈ ગયું હોય તેમ જણાય છે.
તમિલનાડુ: ટીવીકે (TVK) નો ધમાકેદાર પ્રવેશ
તમિલનાડુમાં આ વખતે તમામ ૨૩૪ બેઠકોના વલણોમાં વિજયની પાર્ટી ટીવીકે (TVK) એ ૧૦૬ બેઠકો પર લીડ મેળવીને રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. જ્યારે સત્તાધારી ડીએમકે (DMK) ૪૭ અને એઆઈએડીએમકે (AIADMK) ૭૯ બેઠકો પર આગળ છે.
કેરળ: કોંગ્રેસ ગઠબંધનનો દબદબો
કેરળની ૧૪૦ બેઠકો પર નજર કરીએ તો, કોંગ્રેસ પ્રેરિત યુડીએફ (UDF) ૯૮ બેઠકો સાથે મજબૂત સ્થિતિમાં છે. સત્તાધારી એલડીએફ (LDF) ૩૯ બેઠકો પર જ્યારે ભાજપ ગઠબંધન ૦૧ બેઠક પર આગળ છે.
શુભેન્દુ અધિકારી તેમના વતન પૂર્વ મેદિનીપુર જિલ્લાની નંદીગ્રામ બેઠક પરથી પણ આગળ છે, જ્યાં તેઓ આ વખતે ભવાનીપુરની સાથે સાથે ચૂંટણી લડી રહ્યા છે.
સોમવારે સવારે, પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મનોજ કુમાર અગ્રવાલે જાહેરાત કરી હતી કે વિજેતા પક્ષ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા પછી જ જિલ્લાઓમાં વિજય સરઘસ કાઢી શકશે.
અગ્રવાલે જણાવ્યું હતું કે, “સાથે જ, હું તમામ રાજકીય પક્ષોને અપીલ કરું છું કે અંતિમ પરિણામો સત્તાવાર રીતે જાહેર થયા પછી સંયમ જાળવે. લોકશાહી પ્રક્રિયામાં કેટલાક પક્ષો જીતશે અને કેટલાક હારશે, પરંતુ તે જીત કે હાર હિંસામાં પરિણમવી જોઈએ નહીં.”
ભારતીય ચૂંટણી પંચે (ECI) આ વખતે 2021ની જેમ ચૂંટણી પછીની હિંસાની ઘટનાઓને રોકવા માટે કેન્દ્રીય દળોની 700 કંપનીઓને આગામી આદેશ સુધી અનિશ્ચિત સમય માટે પશ્ચિમ બંગાળમાં રાખવાનો નિર્ણય કર્યો છે.
દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે અને તેના પરિણામો 24 મેના રોજ જાહેર કરવામાં આવશે.
