Western Times News

Gujarati News

આસામમાં કોંગ્રેસને ફટકો: પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈ પાછળઃ NDA બહુમતી તરફ

ગુવાહાટી, 4 મે, 2026 : કોંગ્રેસ માટે એક મોટા આંચકા સમાન સમાચારમાં, સોમવારે પાંચમા રાઉન્ડની મતગણતરી બાદ જોરહાટ વિધાનસભા મતવિસ્તારમાં પાર્ટીના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈ, ભાજપના હરીફ હિતેન્દ્ર નાથ ગોસ્વામી કરતા પાછળ ચાલી રહ્યા હતા.

સત્તાવાર વલણો મુજબ, ભાજપે અત્યાર સુધીમાં 23,339 મતો મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસ પક્ષને 15,326 મતો મળ્યા છે. મતગણતરી ચાલુ હોવાથી ગોસ્વામીએ ગોગોઈ પર 8,013 મતોની સરસાઈ મેળવી લીધી છે.

વધતી જતી આ સરસાઈને મહત્વના મતવિસ્તારમાં કોંગ્રેસ માટે પ્રારંભિક આંચકા તરીકે જોવામાં આવી રહી છે. પક્ષ હવે પછીના રાઉન્ડમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેના પર ઝીણવટભરી નજર રાખી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલી રહી છે અને દિવસના અંત સુધીમાં વધુ સ્પષ્ટ વલણો સામે આવે તેવી અપેક્ષા છે.

વિધાનસભા ચૂંટણીની મતગણતરીના પ્રારંભિક રાઉન્ડમાં ભાજપની આગેવાની હેઠળનું NDA 98 બેઠકો પર આગળ હતું, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળનું વિપક્ષી ગઠબંધન 25 મતવિસ્તારોમાં આગળ હતું.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી માટે 9 એપ્રિલે મતદાન થયું હતું, જેમાં 2.50 કરોડથી વધુ મતદારોમાંથી 85.96 ટકા જેટલું પ્રભાવશાળી મતદાન નોંધાયું હતું.

મેદાનમાં કુલ 722 ઉમેદવારો છે, જેમાં 59 મહિલા દાવેદારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે સૌથી વધુ 99 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારબાદ ભાજપે 90 ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) એ 30 બેઠકો પર ચૂંટણી લડી હતી. NDA સાથી પક્ષોમાં, અસમ ગણ પરિષદે 26 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે બોડો પીપલ્સ ફ્રન્ટે 11 બેઠકો પર ચૂંટણી લડી હતી.

વિપક્ષી બ્લોકમાં, રાયજોર દલે 13 ઉમેદવારો, આસામ જાતીય પરિષદે 10, CPI(M) એ ત્રણ અને ઓલ પાર્ટી હિલ લીડર્સ કોન્ફરન્સે બે બેઠકો પર ચૂંટણી લડી હતી. અન્ય પક્ષોમાં આમ આદમી પાર્ટી અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ 18-18 બેઠકો પર, તૃણમૂલ કોંગ્રેસ 22 અને ઝારખંડ મુક્તિ મોરચા 16 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 258 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.

  • આ વખતે ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ શંકા નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન જ સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં જ સરકાર બનાવશે. જો ભાજપ જીતશે, તો હિમંત બિસ્વા સરમા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.