Western Times News

Gujarati News

ધો. 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે તા. 5મી મેના રોજ ‘જોબ ફેર’

અમદાવાદમાં શાહીબાગ રોજગાર કચેરી ખાતે ભવ્ય ભરતી મેળાનું આયોજન -બેન્કિંગથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી 5થી વધુ કંપનીઓ આપશે સીધી નોકરી
અમદાવાદ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ, મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા આગામી તા. 05 મે, 2026 ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકે એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળો શાહીબાગ વિસ્તારમાં આવેલા અસારવા બહુમાળી ભવનના પ્રથમ માળે, બ્લોક-ડી ખાતે યોજાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષિત બેરોજગાર યુવાનોને ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક પૂરી પાડવાનો છે.
આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર તેમજ બેન્કિંગ અને ફાઇનાન્સ જેવા વિવિધ ક્ષેત્રોની 05 થી વધુ નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહેશે. જે અંતર્ગત આસિસ્ટન્ટ, બીડીઈ (BDE), એન્જીનીયર, રિલેશનશીપ મેનેજર, સેલ્સ એસોસિએટ, ટેકનિશિયન, ઓપરેટર, હેલ્પર અને ટ્રેઈની જેવી વિવિધ જગ્યાઓ માટે સ્થળ પર જ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ તક યુવાનો માટે સીધા જ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે સંપર્ક સાધવાનું એક સક્ષમ માધ્યમ બનશે.
આ ભરતી મેળામાં ધોરણ 10 પાસ, 12 પાસ, ITI, ગ્રેજ્યુએટ તેમજ ડિપ્લોમા ધરાવતા અને 18 થી 35 વર્ષની વય મર્યાદામાં આવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
રોજગાર મેળવવા ઈચ્છુક તમામ ઉમેદવારોએ પોતાના બાયોડેટાની ત્રણ નકલ અને જરૂરી દસ્તાવેજો સાથે નિયત સમયે અને સ્થળે હાજર રહેવા મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.