Western Times News

Gujarati News

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ખાનગી લક્ઝરી બસ નદી પાસે ખાડામાં પલટી, ૨૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

બસ લીમખેડાના પ્રતાપપુરા અને કોલીયારી નદી પાસેના વળાંક પર પહોંચી ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

લીમખેડા: અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર તા. 08-05-2026ને શુક્રવારના રોજ વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લીમખેડા તાલુકાના પ્રતાપપુરા પાસે ઉજ્જૈનથી ગોધરા જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગની સાઈડમાં આવેલા ઉંડા ખાડામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૦ થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત મળતી માહિતી મુજબ, લક્ઝરી બસ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મુસાફરો ભરીને ગોધરા તરફ જઈ રહી હતી. વહેલી સવારે જ્યારે બસ લીમખેડાના પ્રતાપપુરા અને કોલીયારી નદી પાસેના વળાંક પર પહોંચી ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

કાબૂ ગુમાવતા જ બસ રોડ પરથી ફંગોળાઈને સીધી બાજુમાં આવેલા ઉંડા ખાડામાં જઈને પલટી ગઈ હતી. અકસ્માત થતા જ બસમાં સવાર મુસાફરોની ચીસારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

સ્થાનિકો અને તંત્રની મદદ અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.

બસની બારીઓના કાચ તોડીને ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ૨૦ થી વધુ મુસાફરોને શરીરે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે લીમખેડા અને દાહોદની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

કોઈ જાનહાનિ ન થતા રાહત સદનસીબે આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, જેને પગલે તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે હાલ ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે અને ડ્રાઈવરની બેદરકારી કે ટેકનિકલ ખામી અંગે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.