Western Times News

Gujarati News

પિયરમાં રહેતી અને પેન્શન મેળવતી મહિલાને ભરણપોષણ આપવા કોર્ટનો ઈનકાર

(એજન્સી) અમદાવાદ, શહેરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલુ હિંસાના એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતા પુત્રવધૂની અરજી ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, અરજદાર મહિલા સાસુ-સસરા સામે શારીરિક કે માનસિક ત્રાસના આક્ષેપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.

પતિના અવસાન બાદ મિલકતમાં હિસ્સો લેવા સાસુ-સસરા સામે ખોટી ફરિયાદ કર્યાનું ફલિત થાય છે. પિયરમાં રહેતી અને પેન્શન મેળવતી મહિલાને ભરણપોષણ આપી શકાય નહીં.ગોમતીપુરમાં રહેતા મોનાબહેનના(ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) લગ્ન વર્ષ ૨૦૦૪માં મનોહર સાથે થયા હતા.

વર્ષ ૨૦૧૬માં પતિના અવસાન બાદ મોનાબહેન તેમના સાસુ-સસરા અને કાકા-કાકી સાસુ વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ કરી હતી. મોનાબહેનનો આક્ષેપ હતો કે, પતિના મૃત્યુ બાદ સાસરી પક્ષના લોકોએ તેમને ‘અભાગણી’ કહી મેણાંટોણાં માર્યા હતા અને સંતાનો સાથે પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેમણે ભરણપોષણ પેટે માસિક ૨૫,૦૦૦ અને રહેઠાણના ભાડા પેટે ૫,૦૦૦ની માગણી કરી હતી.

સામાવાળા પક્ષે (સાસુ-સસરાએ) એડવોકેટ રાજ સૂર્યવંશીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેઓ પોતે ભાડાના મકાનમાં રહે છે અને તેમની પાસે પોતાની માલિકીની કોઈ મિલકત નથી. અરજદાર પુત્રવધૂ લગ્ન સમયથી જ પતિ સાથે અલગ રહેતી હતી અને પતિના મૃત્યુ બાદ મળવાપાત્ર તમામ આર્થિક લાભો સીધા અરજદારને મળી ગયા છે. મિલકતમાં હિસ્સો લેવાના મલીન ઈરાદે આ ખોટી અરજી કરવામાં આવી હતી.

મોનાબહેનની અરજી ફગાવતા કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર મહિલાએ સાસુ-સસરા દ્વારા અપાતા કથિત શારીરિક કે માનસિક ત્રાસ અંગે કોઈ ચોક્કસ તારીખો કે વાર-તહેવારની વિગતો આપી નહોતી. ઉલટતપાસમાં એ હકીકત સામે આવી કે, પતિ હયાત હતા ત્યારે મોનાબેને ત્રાસ અંગે કોઈ ફરિયાદ કરી નહોતી. વધુમાં, તેઓ પતિ સાથે અલગ રહેતા હોવાનું પણ જણાયું હતું. અરજદારે સ્વીકાર્યું હતું કે, જે મિલકતમાં તે ભાગ માગે છે, તે તેના સાસુ-સસરાની માલિકીની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.