VCKના આ પ્રમુખ પર સૌની નજરઃ તામિલનાડુમાં નક્કી કરશે કે વિજયની સરકાર બનશે કે નહિં
તમિલનાડુમાં સરકાર રચવા ‘થલાપતિ’ વિજયની કસોટી, VCK એ માંગી ડેપ્યુટી CMની પોસ્ટ!
4 ધારાસભ્યો ધરાવતી VCK (વિદુથલાઈ ચિરુથિગલ કાચી) પાર્ટી તામિલનાડુમાં કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ છે.
ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું સસ્પેન્સ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. રાજ્યમાં નવી સરકારના ગઠન માટે ‘થલાપતિ’ વિજયની પાર્ટી Tamilaga Vettri Kazhagam (TVK) માટે આજનો શનિવાર ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે. બહુમતી સાબિત કરવા માટે મથામણ કરી રહેલા વિજય સામે હવે VCK પાર્ટીએ સમર્થનના બદલામાં મોટી શરતો મૂકી છે.
તમિલનાડુમાં નવી સરકારના ગઠનને લઈને ચાલી રહેલો રાજકીય ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી અટકળો તેજ થઈ ગઈ છે, કારણ કે સરકાર રચવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું નથી.
આરોપ-પ્રત્યારોપ, ધારાસભ્યોનું કથિત હોર્સ-ટ્રેડિંગ (ખરીદ-વેચાણ), નકલી સમર્થન પત્રો અને ‘લાપતા’ ધારાસભ્યોના દાવાઓએ રાજ્યની રાજનીતિને અત્યંત ગૂંચવી દીધી છે. તમિલનાડુની વર્તમાન સરકારનો કાર્યકાળ 10 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ આગામી સરકાર કોણ બનાવશે તે હજુ નક્કી થઈ શક્યું નથી.
આ દરમિયાન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 234 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછા 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કર્યા વિના કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવશે નહીં.
23 એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી TVK 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. જોકે, બહુમતી માટે જરૂરી આંકડાથી તે હજુ પણ પાછળ છે. બીજી તરફ, DMK ગઠબંધનને 73 બેઠકો મળી છે, જ્યારે AIADMK ગઠબંધને 53 બેઠકો પર જીત મેળવી છે.
શું છે બહુમતીનું ગણિત?
તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠકોમાંથી બહુમતી માટે 118નો જાદુઈ આંકડો જરૂરી છે. હાલની સ્થિતિ પર નજર કરીએ તો:
-
TVK (વિજયની પાર્ટી): 108 ધારાસભ્યો
-
કોંગ્રેસ: 05 ધારાસભ્યો
-
CPI: 02 ધારાસભ્યો
-
CPM: 02 ધારાસભ્યો
-
કુલ સમર્થન: 117 ધારાસભ્યો
વિજય હવે બહુમતીથી માત્ર એક ડગલું (1 ધારાસભ્ય) દૂર છે. આ સ્થિતિમાં 4 ધારાસભ્યો ધરાવતી VCK (વિદુથલાઈ ચિરુથિગલ કાચી) પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ છે.
VCK ની મોટી માંગણીઓ: વિજયની મુશ્કેલી વધી
VCK એ વિજયને સમર્થન આપવા માટે ‘બાર્ગેનિંગ’ શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર VCK એ નીચે મુજબની શરતો મૂકી છે:
-
નાયબ મુખ્યમંત્રી પદ: પક્ષના વડા થોલ થિરુમાવલવનને ડેપ્યુટી CM બનાવવામાં આવે.
-
તિરુચી ઈસ્ટ બેઠક: વિજય બે બેઠકો પરથી જીત્યા છે. જો તેઓ તિરુચી ઈસ્ટ બેઠક ખાલી કરે, તો તે VCK ને ફાળવવામાં આવે.
-
લોકસભા બેઠક: આગામી ચૂંટણી માટે ચિદમ્બરમ લોકસભા બેઠક પર સુરક્ષિત દાવેદારીની ખાતરી.
“જો VCK સમર્થન નહીં આપે, તો વિજય માટે સરકાર રચવી અશક્ય બની શકે છે.”
આજે જ કેમ છે ડેડલાઈન?
વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ રવિવારે પૂર્ણ થઈ રહ્યો છે. જો શનિવાર સાંજ સુધીમાં વિજય બહુમતી ધરાવતા 118 ધારાસભ્યોની યાદી રાજ્યપાલને નહીં સોંપે, તો રાજ્યમાં ‘બંધારણીય સંકટ’ ઊભું થઈ શકે છે.
રાજ્યપાલના સંભવિત પગલાં:
-
શનિવારે જ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ જાહેર કરવો.
-
કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરવી.
હવે આખું તમિલનાડુ અને વિજયના ચાહકોની નજર VCK ના અંતિમ નિર્ણય પર ટકેલી છે. શું વિજય ડેપ્યુટી CM નું પદ આપીને સત્તા મેળવશે કે પછી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જશે? તે જોવાનું રહેશે.
