Western Times News

Gujarati News

અમદાવાદનાં મોટાભાગનાં તળાવોમાં વરસાદી પાણીની લાઇનોમાં ગટર જોડાણો યથાવત

પ્રતિકાત્મક

બોડકદેવનાં એક તળાવમાં ગટરનું પાણી આવી જતાં ઉલેચવા માટે વરુણ પંપ મૂકવાની ફરજ પડી

તળાવોમાં વરસાદી પાણીનાં આવરા માટેનાં કુદરતી રસ્તા પણ બંધ થઇ ગયાં છે પણ ડ્રેનેજ જોડાણો ભરપૂર ગંદા પાણી ઠાલવે છે

અમદાવાદ, શહેરનાં જુદા જુદા તળાવોમાં ગટરનાં પાણી ના આવવા જોઇએ તેવુ તમામ કમિશનર કહી ગયાં હોવા છતાં મ્યુનિ.તંત્રની ગુનાહિત કામગીરીનાં કારણે આજની તારીખે પણ અનેક તળાવોમાં ગટરનાં પાણી આવે છે, જેને લોખંડનાં દરવાજા લગાવીને કામચલાઉ રીતે અટકાવી રખાયા હોવાનુ જાણવા મળ્યુ છે. તેમ છતાં બોડકદેવમાં એક તળાવમાં ગટરનાં પાણી આવી જતાં તાબડતોબ તેને ઉલેચવા માટે હેવી ડ્યુટી વરૂણપંપ મુકવાની ફરજ પડી હતી.મ્યુનિ. ઇજનેર ખાતાનાં જ સત્તાવાર સૂત્રોએ સ્વીકાર્યુ હતું કે, મ્યુનિ.હદનાં વિસ્તરણ પહેલાં જુની હદનાં તળાવોમાં પણ ગટરનાં પાણી આવવાની સમસ્યા હતી અને નવા વિસ્તારોનાં સમાવેશ બાદ ત્યાંનાં તળાવોમાં તો વર્ષાે અગાઉ ગટરનાં પાણી ઠલવાતા હતા.

સૂત્રોએ કબૂલ કર્યુ હતું કે, તળાવોમાં વરસાદી પાણીનો જ નિકાલ થવો જોઇએ, પરંતુ જે તે સમયનાં વોર્ડનાં ઇજનેરોએ રાજકીય દબાણોને વશ થઇ તેમજ ખાળકુવા આધારિત ગટરોની સમસ્યા હલ કરવા માટે તળાવોમાં જતી સ્ટોર્મ વોટર લાઇનોમાં ગટરનાં જોડાણો કરી દીધા છે.સૂત્રોએ એવી પણ માહિતી આપી કે, સાબરમતી નદીનાં શુધ્ધિકરણની વાતો થાય છે, પરંતુ નદીમાં ખુલતા નાળામાં ગટરનાં જોડાણો થઇ ગયેલાં છે તેમજ સરદારનગર-કુબેરનગર વગેરે વિસ્તારની નદીકિનારાની કેટલીય સોસાયટીઓનાં ગટર જોડાણ બારોબાર નદીમાં કરી દેવાયા હતા, જેમાંથી હજુ કેટલા ચાલુ છે તે ઝોનનાં ઇજનેર ખાતાને પણ ખબર નથી.

સૂત્રોએ કહ્યું કે, તળાવોમાં વરસાદી પાણીનાં આવરા માટેનાં કુદરતી રસ્તા પણ બંધ થઇ ગયાં છે અને સ્ટોર્મ વોટર લાઇનોમાં ગટરનાં જોડાણો કરી દેવાયા હોવાથી તળાવોમાં ગટરનાં પાણી હિલોળા લેતાં હતા, પરંતુ ઉપરથી કડક આદેશો બાદ તળાવોમાં ગટરનાં પાણી રોકવા માટે પહેલાં ડમી મારવામાં આવતી હતી. જે ચોમાસા સમયે તોડવી પડે, પરંતુ કેટલીય જગ્યાએ વરસાદી પાણી ભરાઇ ગયાં બાદ તળાવમાં ખુલતી લાઇનની ડમી તોડવામાં આવતી હતી.વરસાદી પાણી રોડ ઉપર ભરાઇ ના રહે અને ગટરનાં પાણી તળાવમાં આવતા અટકાવવા માટે થોડા સમય પહેલાં લોખંડનાં દરવાજા સ્ટોર્મ વોટર લાઇનનાં આઉટલેટ ઉપર લગાવવામાં આવ્યા છે અને તમામ ઝોનમાં જ્યાં જ્યાં તળાવો છે અને જ્યાં દરવાજા લગાવી દેવાયા છે તે વોર્ડનાં ઇજનેર ખાતાને દરવાજા ચોમાસા સમયે જ ખોલવાની તાકીદ કરી દેવામાં આવી છે.

તેમ છતાં બોડકદેવનાં આરએમએસ તળાવમાં વરસાદી પાણીનાં ત્રણ ઇનલેટ છે તે પૈકી જાદવનગર તરફનાં ઇનલેટમાંથી ગટરનાં પાણી આવતાં તળાવમાં ગંદા પાણી ભરાઇ ગયાં હતા, તેની દુર્ગંધ તેમજ લીલ જામતાં તળાવ કિનારે ચાલવા આવતાં નાગરિકોએ ફરિયાદ કર્યા બાદ ઇજનેર ખાતામાં દોડધામ મચી હતી અને તાબડતોબ હેવીડ્યુટી વરૂણ પંપ મંગાવી ગટરનાં ગંદા પાણી ઉલેચવાની મથામણ આદરવામાં આવી હતી. જોકે વરૂણપંપ ચલાવનારા પાસે એટલી લાંબી પાઇપો ન હોવાથી તળાવનાં બીજા છેડા તરફ પાણી છોડી દેવાયુ હતુ, જે ગરમીનાં કારણે સુકાઇ ગયું હતુ, તેમ છતાં આજની તારીખે મોટુ ખાબોચિયુ જોવા મળી રહ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.