Western Times News

Gujarati News

દાંતામાં બેફામ ઝડપે કાર દુકાનમાં ઘૂસી જતાં દુકાનદાર સહિત બે જણાનાં મોત

દાણીલીમડાથી ઉર્સના મેળામાં આવેલા ભાવિકોની કારના ચાલકે કાબૂ ગુમાવતા બે જણાનાં મોત

ઘટનામાં કાર જે દુકાનમાં ઘુસી ગઈ હતી, તે દુકાનના સંચાલકને ગંભીર ઇજાઓ થતાં તેમની સ્થિતિ ચિંતાજનક બની

પાલનપુર, બનાસકાંઠાના દાંતામાં રવિવારે એક બેફામ કાર દુકાનમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ૮ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી એક દુકાનદારની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ મોત થયું હતું. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, દાંતા પોલીસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

બેકાબૂ બનેલી આ કાર સીધી રોડની સાઈડમાં આવેલી એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અમદાવાદના દાણીલીમડા વિસ્તારના લોકો કારમાં દાંતાની અંતરશાહ દરગાહ પર આયોજિત ઉર્સના મેળામાં ભાગ લેવા જઈ રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જણવા મળ્યું છે.આ ઘટનામાં કાર જે દુકાનમાં ઘુસી ગઈ હતી, તે દુકાનના સંચાલકને ગંભીર ઇજાઓ થતાં તેમની સ્થિતિ ચિંતાજનક બની હતી. જેથી તેમને વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

અકસ્માત સમયે દુકાન આગળ બેઠેલા અન્ય ૨ જણાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જો કે, ઘટનાની ગંભીરતાને જોતાં દાંતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગેની તપાસ આદરી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાબડતોબ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડામાં આવ્યા હતા. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.