Western Times News

Gujarati News

સોના પર લાગતી કુલ ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને હવે 15 ટકા કરી દેવામાં આવી

પ્રતિકાત્મક

નવી દિલ્હી : દેશમાં સોનાની સતત વધતી આયાત અને વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સોના પર લાગતી કુલ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો કરી તેને 6 ટકાથી વધારીને હવે 15 ટકા કરી દેવામાં આવી છે.

સરકારના આ નિર્ણયને કારણે આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આ નવા દરો ૧૩ મે ૨૦૨૬ની મધ્યરાત્રિથી સમગ્ર દેશમાં અમલી બની ગયા છે.

ટેક્સ માળખામાં કરાયેલા ફેરફારોની વિગત:
સરકાર દ્વારા સોના પર લાગતા વિવિધ ટેક્સમાં નીચે મુજબ વધારો કરવામાં આવ્યો છે:
• બેઝિક કસ્ટમ ડ્યુટી: અગાઉ સોના પર 5 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી લાગતી હતી, જેને વધારીને હવે 10 ટકા કરી દેવામાં આવી છે.
• એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC): ખેતીવાડીના વિકાસ માટે લાગતા આ સેસને 1 ટકાથી વધારીને 5 ટકા કરવામાં આવ્યો છે.
• કુલ ડ્યુટી: આ બંને વધારાને પગલે સોના પરની અસરકારક કુલ આયાત જકાત હવે વધીને 15 ટકા પર પહોંચી ગઈ છે.

બજેટની રાહત પાછી ખેંચાઈ:
નોંધનીય છે કે, જુલાઈ 2024ના બજેટ દરમિયાન સરકારે સોના પરની આયાત જકાતમાં મોટો ઘટાડો કર્યો હતો. તે સમયે કુલ ઈમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી હતી. આ રાહત પાછળનો મુખ્ય હેતુ ઝવેરી ઉદ્યોગને વેગ આપવો અને ગ્રાહકો માટે સોનું સસ્તું બનાવવાનો હતો. જોકે, આ નિર્ણય બાદ દેશમાં સોનાની આયાતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેના પરિણામે હવે સરકારે ફરીથી ટેક્સ વધારીને જૂના સ્તરે લાવી દીધો છે.

નિષ્ણાતોના મતે, સોનાની આયાત વધવાથી દેશનું ઈમ્પોર્ટ બિલ વધ્યું છે અને ડોલર મોટા પ્રમાણમાં વિદેશમાં જઈ રહ્યો છે. આના કારણે ટ્રેડ ડેફિસિટ અને ભારતીય રૂપિયા પર દબાણ વધતું હોવાથી સરકાર દ્વારા આયાતને નિયંત્રિત કરવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે.

આ વધારાની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. ખાસ કરીને લગ્નસરા અને તહેવારોની સિઝનમાં જ્યારે સોનાની માંગ સૌથી વધુ હોય છે, ત્યારે મોંઘા ભાવે સોનું ખરીદવું પડશે. જ્વેલરી ઉદ્યોગના સંગઠનોનું માનવું છે કે અચાનક ડ્યુટીમાં થયેલા આ વધારાને કારણે બજારમાં વેચાણ પર માઠી અસર પડી શકે છે. હવે ઝવેરી બજારની નજર સ્થાનિક ભાવો પર છે કે નવી ડ્યુટીના અમલ બાદ કિંમતોમાં કેટલો ઉછાળો આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.